મુખ્યમંત્રી દ્વારા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક જ દિવસમાં કુલ 294 કરોડ રૂપિયાની ફાળવણી
ગાંધીનગર, 13 જાન્યુઆરી, 2025 : મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે ગુજરાતના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબ રોડ કનેક્ટિવિટી મળે; તેવો જનહિતકારી અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભે રાજ્યના આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં મેજર બ્રિજ નિર્માણ, ઉત્તર ગુજરાતના વિસનગર-વીજાપુર માર્ગને ફોરલેન કરવા સાથે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવેને વધુ સુવિધા આપવા એક જ દિવસમાં સમગ્રતયા 294 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તાર કપરાડાના 16 જેટલા ગામોની 23 હજારથી વધુ વસ્તીને અવરજવર માટે સગવડ મળે; તે માટે દમણગંગા નદી પર મેજર બ્રિજના કામ માટે 26 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ રકમથી કપરાડાના ભૂરવડથી દમણગંગા નદીના સામા કાઠાંના ટુકવાડાને જોડતા બ્રિજનું નિર્માણ થશે. પરિણામે શાળાએ જતાં આદિજાતિ ગ્રામીણ વિદ્યાર્થીઓ, ખાનવેલ અને સેલવાસ જી.આઈ.ડી.સી.માં નોકરી-રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે.
આ ઉપરાંત રાજ્યના વધુ બે માર્ગોને પણ ફોરલેનમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તદઅનુસાર, મુખ્યમંત્રીએ મહેસાણા જિલ્લાના વિસનગરથી વીજાપુરના 24 કિલોમીટરના માર્ગને હાલની ૭ મીટર પહોળાઈથી વધારીને ફોરલેન કરવા માટે 136.16 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.
વિસનગરથી વીજાપુર જતાં આ માર્ગ પરથી હિંમતનગર, મોડાસા, ઇડર અને મહિસાગરના લુણાવાડા તરફ જતા ભારે વાહનો પસાર થાય છે. તેના ટ્રાફિક-ભારણને તેમજ અન્ય વાહનો માટે વધુ સુવિધાયુક્ત માર્ગ આપવાના આશયથી તેમણે આ નિર્ણય કર્યો છે.
એટલું જ નહીં, તેમણે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ-કરમસદ-સોજીત્રા-તારાપુર રોડને પણ 1૦ મીટર પહોળાઈથી વધારીને ફોરલેન કરવા માટે 132 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ફોરલેન કરવા સાથો-સાથ ઇન્સ્ટ્રાક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નીચર તથા અન્ય કામગીરી માટે પણ આ રકમ ઉપયોગમાં લેવાશે.
આ નિર્ણયને પરિણામે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાહનવ્યવહાર, તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના નાગરિકો, આણંદ જી.આઈ.ડી.સી.ના વાહનવ્યવહાર તેમજ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળશે.