દોરાથી ઈજાગ્રસ્ત થનાર પક્ષીઓ માટે એપ, હેલ્પલાઇન નંબર્સ, સારવાર કેન્દ્રો, તબીબો, સ્વયંસેવકો, સહિત હજારો જીવદયા પ્રેમીઓ ખડેપગે
ગાંધીનગર, 13 જાન્યુઆરી, 2025 : ઉત્સવોને ઉમંગ સાથે ઉજવવા માટે જાણીતું ગુજરાત પશુ-પંખીઓ સહિત તમામ જીવો પ્રત્યે પણ એટલી ઊંડી સંવેદના ધરાવે છે. તેનું ઉદાહરણ છે ગુજરાતમાં દર વર્ષે 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ-ઉત્તરાયણ પર્વ દરમિયાન ઉજવાતાં પતંગોત્સવ દરમિયાન ઈજાગ્રસ્ત થતાં પક્ષીઓની સારવાર માટે મોટા પાયે કરવામાં આવતી વ્યવસ્થા વડે જોઈ શકાય છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં પતંગોત્સવ દરમિયાન દોરાથી ઈજાગ્રસ્ત થનાર પક્ષીઓ માટે એપ, હેલ્પલાઇન નંબર્સ, સારવાર કેન્દ્રો, તબીબો, સ્વયંસેવકો, સહિત અનેક જીવદયા પ્રેમીઓ ખડેપગે છે. જોકે વિધિવત રીતે ભલે પતંગોત્સવ 14-15 જાન્યુઆરીએ જ ઉજવાતો હોય, પરંતુ પતંગઘેલા ગુજરાતીઓ જાન્યુઆરી શરૂ થતા જ પતંગો ચગાવવાનું શરૂ કરી દે છે અને એટલા માટે ઈજાગ્રસ્ત પક્ષીઓના રક્ષણ માટેનું કરુણા અભિયાન 10 જાન્યુઆરીથી જ શરુ થઈ જાય છે.
10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી – 2025 સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગનાં દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન ચાલવાનું છે. મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલે પણ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કૅર સેન્ટરની સોમવારે મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઇલ્ડ લાઇફ કૅર સેંટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝીબિશનની પણ મુલાકાત લીધી હતી.
