આલેખનઃ રમેશ તન્ના
અમદાવાદ, 2 ઑક્ટોબર, 2023 : બીજી ઓક્ટોબર, 1869ના રોજ પોરબંદરમાં જન્મેલા મોહનદાસ (કરમચંદ ગાંધી)ની આજે 154મી જન્મજયંતી છે. આશરે 79 વર્ષ આ પૃથ્વી પર વિચરેલા આ મહામાનવે સમગ્ર વિશ્વને પોતાના જીવન- કવન દ્રારા પ્રભાવિત કર્યું. સમગ્ર વિશ્વમાં આજે પણ તેમને સતત યાદ કરાય છે. આજે આપણે ચર્ચા કરીએ કે ગાંધીજીના ‘વિચારો કેટલા પ્રસ્તુત છે ’
- અહિંસાનો અમલ કરી શકાય.
ગાંધીજીનો જન્મદિવસ સમગ્ર વિશ્વમાં અહિંસા દિવસ તરીકે પણ ઉજવાય છે. ગાંધીજીએ અહિંસાની વાત કરી હતી. આજે સમગ્ર વિશ્વમાં ઠેરઠેર હિંસા જોવા મળે છે. અનેક દેશો વચ્ચે હિંસાની આગ સળગી રહી છે. તમે ટેલિવિઝન કેન્દ્રો પર આંતરરાષ્ટ્રીય સમાચાર જોવો તો આગ જોઈને તમારી આંખો બળવા લાગે છે. ગાંધીજીએ અહિંસાનો આખો ખ્યાલ સૂક્ષ્મપણે રજૂ કરેલો. આપણે તેમના વિચારોથી ઉફરા ચાલ્યા એટલે આજે આપણી આવી બુરી વલે થઈ છે. જેમ દેશો એકબીજાની સામે લડી રહ્યા છે તે રીતે દરેક દેશમાં આંતરિક હિંસા પણ ઘણી વધી ગઈ છે. હિંસામાં અનેક લોકો પોતાના પ્રાણ પણ ગુમાવી રહ્યા છે. કારણો જુદાં જુદાં છે, ગજગ્રાહ નોખો નોખો છે, પરંતુ પરિણામ છે, હિંસા.
મહાત્મા ગાંધીએ અહિંસાનો જે ખ્યાલ રજૂ કર્યો હતો તેને આપણે અપનાવ્યો નથી. શોષણ, ગરીબી, રાગ, દ્વેષ આવાં અનેક પરિબળો પણ હિંસા માટે જવાબદાર હોય છે. એવું લાગે છે કે આખું વિશ્વ અત્યારે સળગી રહ્યું છે. કોઈ દેશમાં શાંતિ નથી. માનવજાતે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય પરંતુ હિંસા વિનાનું વિશ્વ પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આ બધી જ પ્રગતિ અર્થહીન છે.
- આવકની અસમાનતા અને ગરીબી
અત્યારે સમગ્ર વિશ્વમાં દસ કરોડથી વધારે બાળકો કુપોષણથી પીડાઈ રહ્યાં છે. વિશ્વની છસો કરોડથી વધારેની વસ્તીમાં અડધાથી પણ વધુ લોકોને ખાવા માટે તકલીફ છે. મૂડીવાદને કારણે અસમાનતા ટોચ પર છે. વિશ્વના દસ-પંદર ટકા લોકો વિશ્વની સંપત્તિનો એંસી-નેવું ટકા ભાગ લઈને બેસી ગયા છે. આ એક પ્રકારની લૂંટ જ છે. વિનોબા ભાવે કહેતાં કે, તમે કોઈના લમણા પર બંદૂકની અણી રાખીને વસ્તુ લો કે રૂપિયા આપીને લો તેમાં તાત્ત્વિક કોઈ ફરક નથી. ગરીબો દિવસે ને દિવસે વધુ ગરીબ થતા જાય છે. ગરીબ દેશો અનેક પ્રશ્નોથી પીડાઈ રહ્યાં છે. જેમની પાસે પૈસા છે તેઓ સત્તા અને સંસાધનો પર કબજો મેળવીને કરોડો લોકોનું શોષણ કરી રહ્યાં છે. મહાત્મા ગાંધીએ એવા સમાજની કલ્પના કરી હતી કે જેમાં આવકની અસમાનતા ઓછી હોય. તેઓ તો એમ કહેતાં કે વાળંદ અને વકીલનું મહેનતાણું એકસરખું હોવું જોઈએ.
- મશીનોએ માણસને હરાવી દીધો છે
હિંદ સ્વરાજ પુસ્તકમાં ગાંધીજીએ યંત્રોના ઉપયોગ સામે લાલબત્તી ધરી હતી. આજે મશીનોએ માણસને યંત્રવત્ કરી નાંખ્યો છે. માણસ પોતાની કુદરતીપણું ગુમાવી રહ્યો છે. ટેક્નોલોજીએ એના તન અને મન બંનેને વેર-વિખેર કરી નાખ્યા છે. માણસ યંત્ર વગર રહી શકતો નથી. યંત્રોએ માણસ પર રીતસરની ચડાઈ કરી છે. તણાવ વધી રહ્યો છે. માણસનું મન બેચેન થઈ રહ્યું છે. તે અનેક રોગોનો ભોગ બની રહ્યો છે. યંત્રોનો કેટલો અને કેવો ઉપયોગ કરવો તેની તેને ગતાગમ નથી કે નથી કોઈ વિવેકબુદ્ધિ. આવી સ્થિતિમાં તે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. યંત્રોએ માણસને હરાવી દીધો છે તેમ કહીએ તો કશું ખોટું નથી.
- ગ્લોબલ વૉર્મિંગ
આ ડોસો વારંવાર કહેતો હતો કે સાદું જીવન જીવો, ઓછામાં ઓછી જરૂરિયાતો રાખો, વહેંચીને ખાવો, આ પૃથ્વી પર બધાની જરૂરિયાતો પૂરી કરી શકાય તેટલાં સંસાધનો છે, પરંતુ બધાંનો લોભ પૂરો કરી શકાય તેટલા સંસાધનો નથી. બધાની બધું ભોગવું લેવું છે. બીજાનો ભોગ લઈને લોકો ભોગવવા લાગ્યા છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વૉર્મિંગનો સંવેદનશીલ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. હવે તો હવા પણ પ્રદૂષિત થઈ ગઈ છે અને મોટા શહેરોમાં લોકોને હવા લેવાના પણ ફાફા છે. આપણે ગાંધીવિચારને તિલાંજલિ આપી તેનું આ પરિણામ છે. લોભને થોભ હોતો નથી અને લોકો સતત દોડયા જ કરે છે. એ વાત જુદી છે કે તેને કારણે કુદરતની સમતુલા ખોરવાઈ ગઈ છે. તમે ગમે તેટલો વિકાસ કરો પરંતુ શ્વાસમાં લેવા માટે ચોખ્ખી હવા, પીવા માટે પાણી, ખાવા માટે સમતોલ અાહાર અને રહેવા માટે છાપરું ના હોય તો બધું જ નકામુ છે.
- શરીરશ્રમ છોડ્યો એટલે અનેક રોગો આવી ગયા
ગાંધીજી વારંવાર કહેતા હતા કે ભગવાને શરીર શ્રમ કરવા માટે આપ્યું છે. આધુનિક સમાજ શરીરશ્રમને મોટામાં મોટી શરમ ગણે છે. લોકોને શરીરને તકલીફ આપવી જ નથી. ટેક્નોલોજીની મદદથી માણસ મગજ પાસેથી કામ લેતો થયો છે. શરીરશ્રમ ઘટતાં અનેક બિમારીઓ ઘર કરી ગઈ છે. બી.પી., કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ જેવાં અનેક રોગો હવે સામાન્ય બની ગયા છે. દરરોજ હજારો લોકો નવી નવી બિમારીથી મૃત્યુ પામે છે. તમે જોજો નવી ટેક્નોલોજીમાં માણસ આંખનો મહત્તમ ઉપયોગ કરે છે. એટલે થોડાં વર્ષો પછી વિશ્વમાં પ્રજ્ઞાચક્ષુની સંખ્યા વધે તો પણ નવાઈ નહીં. લોકોએ ચાલવાનું છોડી દીધું છે. પૈડાં સામે પગ હારી ગયો છે. ચાલતા શીખવાડવાના વર્ગો શરૂ તેવા દિવસો આવી ગયા છે. જો માણસ શરીરશ્રમ કરે તો પણ ભારતના પચાસ ટકા રોગો ઓછા થઈ જાય.
- પત્રકારત્વની દિશા બદલાઈ ગઈ
ગાંધીજીની મહાન પત્રકાર અને તંત્રી હતા. 79 વર્ષ જીવ્યા તેમાંથી 44 વર્ષ સુધી તેમણે સક્રિય પત્રકારત્વ કરેલું. પત્રકારત્વના તેમણે જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા તે વિચારવા જેવા છે. તેમણે પત્રકારત્વનો લોકકલ્યાણ માટે શ્રેષ્ઠ ઉપયોગ કરેલો. આજે પત્રકારત્વ ખૂબ જ પ્રસાર પામ્યું છે. મીડિયાની માણસજાત ઉપર સૌથી મોટી અસર છે. જોકે અફસોસ સાથે કહેવું પડે તેમ છે એ અસર નકારાત્મક વધારે છે. મીડિયા દ્વારા દરરોજ ઝેરના પ્યાલા ભરી ભરીને લોકોને આપવામાં આવે છે અને લોકો એ પ્યાલા ગટગટાવી જાય છે. ભારતનું પત્રકારત્વ પ્રતિબદ્ધ નથી. તેમાં પૂર્વગ્રહ છે, બેજવાબદારી છે, પૈસા કમાઈ લેવાની લાય છે. સ્વસ્થ સમાજના નિર્માણમાં પત્રકારત્વની ભૂમિકા મોટી હોઈ શકે છે તે ગાંધીજીએ સાબિત કર્યું હતું. આજના માધ્યમો સાબિત કરી રહ્યા છે કે સમાજના પડતરમાં માધ્યમો કેટલું મોટું કામ કરી શકે. અફસોસ સાથે કહેવું પડે છે કે આ સ્થિતિ ન હોવી જોઈએ, પરંતુ છે. જો ભારતના માધ્યમો જવાબદાર બને તો ભારતના અનેક પ્રશ્નો વિશ્વબૅંકની મદદ વગર પણ ઉકલી શકે તેમ છે.
- માનસિક શાંતિ
આધુનિક માણસ લગભગ અડધો ગાંડો માણસ છે. તેની પાસે બધું છે પરંતુ (કદાચ એટલે જ) શાંતિ નથી. મનની શાંતિ ખોવાઈ ગઈ છે. દવાઓ અને જંકફુડ ખાઈને આજના માણસનું શરીર પોલું અને ખોખલું થઈ ગયું છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન હોય છે. યંત્રોના આક્રમણને કારણે ડઘાઇ ગયેલો મનુષ્ય માનસિક શાંતિ ગુમાવી ચૂક્યો છે. તે ડગલે ને પગલે તણાવનો સામનો કરી રહ્યો છે. તેને ખબર જ પડતી નથી કે તેને પોતાને જોઈએ છે શું ? તે ગાંડાની જેમ દોડ્યા જ કરે છે. સ્પીડ વગર તેને ચાલતું નથી, તેને બીજાની આગળ જ રહેવું છે એટલે વધારે દોડે છે. જોકે એને ખબર નથી કે જવું છે ક્યાં ? તે દિવસ-રાત સંપત્તિનું સર્જન કર્યા કરે છે. એ માટે કાળા-ધોળા કરે છે. શરીરનું ધ્યાન રાખતો નથી. જ્યારે સંપત્તિ આવે છે ત્યારે શરીર ખોટવાઈ ગયું હોય છે. એ પછી તે દવાઓ લઈને ખોટવાઈ ગયેલા શરીરને સાચવવા માટે મથ્યા કરે છે. આ મિથ્યા દોડ છે. સાચું સુખ સંતોષમાં છે. સાચું સુખ શાંતિમાં છે. વસ્તુઓ અને સગવડોના ઢગલામાં એ બધું ખોવાઈ ગયું છે. જેને સંપૂર્ણ સ્વસ્થ કહી શકાય તેવો માણસ આજે શોધીએ તો ભાગ્યે જ મળે એવી કપરી સ્થિતિ છે.
મહાત્મા ગાંધી તો બહુરૂપી હતા. (આ નામનું તેમના વિશે પુસ્તક પણ છે.) જીવનના એક એક અંગને સ્પર્શે તેવું ચિંતન તેમણે કર્યું હતું. તેઓ પોતે સાદા હતા અને તેમનું ચિંતન પણ સાદું હતું. અફસોસ એ વાતનો છે કે આપણે તેમણે આપેલા વિચારોને સમજ્યા નથી. કેટલાક કહેવાતા ગાંધીવાદીઓએ ગાંધીજીને વિશ્વ સમક્ષ ખોટી રીતે રજૂ કર્યા છે. ગાંધીવિચાર સાવ સાદો અને અમલમાં મૂકાય તેવો હોવા છતાં તેને એ રીતે રજૂ કરાયો કે લોકો તેનાથી ગભરાઈ જાય.
આખી વાતનો સાર એ છે કે ગાંધીવિચાર એ આજે નહીં, પણ કોઈ પણ કાળે ચાલે તેવી અદભુત અને અનિવાર્ય એવી વિચારધારા છે. તેમાં કેટલાક અપવાદો પણ છે. સમય પ્રમાણે માણસે બદલાવું જોઈએ. પણ મૂળ વાત વિચારના તત્ત્વની છે. વિચાર પાછળની ભાવનાની છે. એ વિચાર રજૂ કરતી વખતે મૂળ ઈરાદો કયો છે તેની સમજણની છે.
- તુલસીપત્ર
આ દુનિયાનું મોટામાં મોટું જુઠ્ઠાણું કયું ? અમે માનીએ છીએ કે સત્ય હંમેશાં કડવું હોય છે એ વિધાન આ દુનિયાનું મોટામાં મોટું જુઠ્ઠાણું છે. સત્ય ક્યારેય કડવું હોતું જ નથી. આ પૃથ્વી પર સત્યથી વધારે મધુર અને શીતળ બીજું કશું હોઈ શકે નહી. આપણે સ્વાદ શક્તિ ગુમાવી બેઠા હોઈએ અને આપણી પાચનક્ષમતા ન હોય તો આપણને સત્ય કડવું લાગે તો એમાં વાંક આપણો છે, સત્ય નો નથી.