આલેખ : શ્રી કન્હૈયા કોષ્ટી
ભારતમાં ત્યાગની આ પરંપરા વંશાનુગત છે, જે પેઢી દર પેઢી ચાલી આવે છે, અને વર્તમાન આધુનિક પેઢીમાં ભલે ત્યાગના બળ, મહત્ત્વ અને અસર કે પરંપરા થોડી નિર્બળ પડી હોય પરંતુ આજે પણ દેશ અંગત સ્વાર્થથી ઉપર ઊઠીને નિષ્કામ ભાવનાથી દાન કરીને ત્યાગભાવનો પરિચય આપી રહ્યો છે, તો તેની પાછળ અનાદિકાળથી ચાલ્યો આવી રહેલો આપણો ત્યાગનો અમર સાંસ્કૃતિક વારસો જ કારણભૂત છે. આજે આપણે ત્યાગની એવી પાંચ મહાન મૂર્તિઓની ચર્ચા કરીએ કે જેમણે ત્રેતાયુગની મહાન ત્યાગ-તપસ્વિનીઓ તરીકે અમરત્વ મેળવી લીધું છે. આજકાલ ‘દૂરદર્શન’ ઉપરથી ત્રેતાયુગની કથા ‘રામાયણ’નું પ્રસારણ થઈ રહ્યું છે ત્યારે આ પાંચ ત્રેતાની આ ત્યાગ-તપસ્વિનીઓ તથા તેમના ત્યાગનું વર્ણન કરવું માત્ર પ્રાસંગિક જ નહીં, બલકે આધુનિક પેઢી અને ખાસ કરીને કોટિ કોટિ વંદનીય નારીસમાજ માટે પ્રેરણાદાયી પણ બની રહેશે.
સીતા
મિથિલાના રાજા જનકની દીકરી તથા મિથિલા સામ્રાજ્યની રાજકુમારી સીતા જન્મથી લગ્ન સુધી માત્ર અને માત્ર રાજવૈભવનાં સુખોમાં ઉછેર પામી અને મોટી થઈ. જેના પિતા જ રાજા હોય એવી રાજકુમારીને વળી શું દુઃખ હોઈ શકે? માતા-પિતાના લાડકોડ, મમતા અને નિર્મળ પ્રેમમાં બાળપણથી માંડીને યુવાવસ્થા સુધી સીતા માત્ર સુખોની શૈયા સમાન જીવન જીવી રહ્યાં હતાં, પરંતુ દશરથ-કૌશલ્યાનંદન શ્રીરામ સાથે વિવાહ થતાં જ સીતાના સુખી જીવનને જાણે કે કોઈની નજર લાગી ગઈ! તેમ છતાં આ તો વિધિનું વિધાન હતું પરંતુ તે વિધાન અનુસાર અયોધ્યાના રાજા દશરથ પોતાની પત્ની કૈકેયીને આપેલા વચન અનુસાર માત્ર શ્રીરામને જંગલમાં મોકલવા માટે વિવશ હતા. કૈકેયીએ શ્રીરામ ઉપરાંત બીજા કોઈનું નામ લીધું નહોતું, પરંતુ અહીં ફૂલોની સેજ પર ઊછરેલાં જનકનંદિનીએ પતિદેવના સેવાધર્મનું અનુપમ ઉદાહરણ રજૂ કર્યું. અયોધ્યાનાં રાજસુખો સીતાએ આ રીતે ક્ષણભરમાં ત્યજી દીધાં. વનવાસની કઠોર મુસીબતોથી અવગત કરાવ્યા બાદ પણ સીતાએ પતિધર્મ નિભાવવા માટે રાજવૈભવ અને વિલાસનો ત્યાગ કરી દીધો અને શ્રીરામની સાથે વનમાં જવા નીકળી પડ્યાં. એટલું જ નહીં, 13 વર્ષ જંગલમાં વિચરણ કરવાની કઠોર યાતનાઓ વેઠ્યા બાદ જ્યારે રાવણે અપહરણ કર્યું ત્યારે સીતાએ લંકામાં જઈને પોતાના પતિવ્રત ધર્મ અને સતીત્વની શક્તિને કુશના એક તણખલામાં ધારણ કરી લીધી, જેના પગલે મહાબળશાળી રાવણ સીતાને સ્પર્શ પણ કરી ન શક્યો. એટલું જ નહીં, સીતાએ પતિ રામના લોકલાજ ધર્મને પણ સંપૂર્ણ રીતે સ્વીકારી લીધો અને વનવાસ બાદ પુનઃ પ્રાપ્ત અયોધ્યાની મહારાણી તરીકેનો વૈભવ છોડી દીધો અને પુનઃ વનગમન માટે પ્રસ્થાન કરી દીધું.
ઊર્મિલા
ઊર્મિલાના ત્યાગ પર તો ભારતીય સાહિત્યકારો અને તત્ત્વચિંતકોએ ઘણું બધું લખ્યું છે. તે પણ જનકની પુત્રી હતી અને સ્વાભાવિક રીતે જ સીતા જેવાં જ તમામ રાજસુખોમાં ઊછરી હતી. તેમ છતાં ઊર્મિલાને કઠોર વનવાસ ભોગવવો ન પડ્યો, પરંતુ વનમાં ન જઈને પણ ઊર્મિલાએ જે ત્યાગ કર્યો તેને સીતાથી જરાય ઊતરતો ગણી ન શકાય. જ્યારે શ્રીરામના વનવાસના સમાચાર દશરથ-સુમિત્રાનંદન લક્ષ્મણે સાંભળ્યા ત્યારે તેઓ વિહ્વળ થઈ ઊઠ્યા. લક્ષ્મણે પોતાનું સમગ્ર જીવન શ્રીરામની સેવામાં સમર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આવા તબક્કે જ્યારે શ્રીરામના વનવાસની વાત આવી ત્યારે લક્ષ્મણ ભ્રાતૃકર્તવ્ય તથા પતિકર્તવ્યના ધર્મસંકટમાં પડ્યા, પરંતુ તેમણે ભ્રાતૃસેવાની જ પસંદગી કરી. લક્ષ્મણે શ્રીરામની સાથે વનવાસ જવાનો નિર્ણય જ્યારે ઊર્મિલા સમક્ષ રજૂ કર્યો ત્યારે ઊર્મિલાએ મહાન ત્યાગનું ઉદાહરણ આપતાં પતિવ્રતધર્મના માર્ગમાં અવરોધ ન નાખવાનો નિર્ણય કર્યો. શ્રીરામની સાથે જવા માટે લક્ષ્મણની હઠ અને તર્કની આગળ ઊર્મિલા માત્ર નતમસ્તક ઊભી જ ન રહી બલકે તેણે પણ 14 વર્ષ સુધી રાજમહેલમાં રહીને પતિના કર્તવ્યપ્રણને પૂર્ણ કરવામાં વિરહ અને વિયોગ વેઠી લીધો. ઊર્મિલાના ત્યાગને તો સીતાના ત્યાગ કરતાં પણ મહાન ગણાવાયો છે, કેમ કે, સીતા તો પતિવ્રતા-ધર્મનું પાલન કરતાં રામની સાથે વનવાસ ગયાં હતાં, પરંતુ ઊર્મિલાએ તો લક્ષ્મણના ભ્રાતૃસેવા પ્રણને સાકાર કરવા માટે પોતાના જીવનને જ વન બનાવી દીધું હતું.
માંડવી
વેદેહી જનકની એક અન્ય પુત્રી માંડવીનું નામ કેવી રીતે ભૂલી શકાય! દશરથ-કૈકેયીનંદલ ભરતની પત્ની માંડવીના ત્યાગનો મહિમા વધારે પ્રશંસા પામ્યો નથી, પરંતુ જરા વિચારો કે જ્યારે મહાન ભ્રાતૃપ્રેમની પરાકાષ્ઠાના સાક્ષાત સ્વરૃપ ભરતે અયોધ્યામાં રાજાનું પદ માત્ર શ્રીરામની અમાનત માનીને સંભાળી રાખવા તથા રામની જેમ 14 વર્ષ સુધી રાજમહેલની બહાર વનવાસીઓની જેમ કુટીર બનાવીને રહેવાની પ્રતિજ્ઞા લીધી હોય ત્યારે માંડવીએ પણ ઊર્મિલાની જેમ જ પોતાના પતિવ્રત ધર્મને તુચ્છ ગણીને પતિપ્રણ ધર્મને શ્રેષ્ઠ ધર્મ તરીકે સ્વીકારી લીધો. માંડવી 14 વર્ષ સુધી રાજમહેલમાં રહી અને ત્રણે માતાઓની સેવા કરતી રહી. આ રીતે માંડવી માટે સૌભાગ્યની વાત માત્ર એટલી જ હતી કે તે 14 વર્ષ સુધી પતિ ભરતનાં દર્શન તો કરી શકી, પરંતુ તેણે પણ ઊર્મિલાની જેમ વિરહ વેઠીને ત્યાગ તથા બલિદાનની ભાવનાને પરાકાષ્ઠા સુધી પહોંચાડી દીધી.
સુમિત્રા
દશરથની ત્રણ પત્નીઓમાં એક તરફ કૌશલ્યાના પોતાના તથા ઓરમાયા પુત્રો પ્રત્યે સમાન વાત્સલ્ય, પ્રેમ તથા મમતાની સરાહના થાય છે, તો કૈકેયીને એક નિષ્ઠુર ઓરમાયી માતા તરીકે ઘૃણાની નજરે જોવામાં આવે છે. પરંતુ સુમિત્રાની કોઈ વિશેષ ભૂમિકા જોવા મળતી નથી. જે રાજઘરાનામાં પુત્રમોહમાં દશરથ જેવા ધીરગંભીર પુરુષે વિરહ-વેદના સહેવાની ક્ષમતા ગુમાવી દીધી અને પ્રાણ ત્યાગી દીધા, એ જ રાજપરિવારમાં સુમિત્રા જેવી ‘નિર્મોહી’ માતા પણ હતી. કૌશલ્યા એટલા માટે દુઃખી હતી કે તેમના નિર્દોષ પુત્ર શ્રીરામને રાજ્યાભિષેકના બદલે વનવાસ ભોગવવો પડતો હતો, તો, કૈકેયી પોતાના પુત્ર ભરતના મોહમાં એટલી અંધ થઈ ગઈ હતી કે તેણે કૌશલ્યાથી પણ વધારે પ્રેમ કરનાર શ્રીરામને વનવાસનું વચન તો માગ્યું, પણ સિંહાસનના આ સંગ્રામના પરિણામે જ્યાં શ્રીરામે વનગમન અને ભરતે શ્રીરામની જેમ જીવન વિતાવવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે સુમિત્રાએ પોતાના બંને પુત્રો લક્ષ્મણ અને શત્રુઘ્નને મોટા ભાઈઓ શ્રીરામ અને ભરતની સેવામાં સમર્પિત કરી દીધા. સુમિત્રાએ આ ત્યાગથી એક તરફ લક્ષ્મણના વિરહની વ્યથા વેઠી તો રાજમહેલમાં રહીને પણ શત્રુઘ્ન પાસે પુત્રકર્તવ્યની કોઈ અપેક્ષા ન રાખી, કેમ કે, શત્રુઘ્ન પર કુટીરમાં રહીને શાસન કરી રહેલા ભરતની સેવા અને આજ્ઞાના પાલનની જવાબદારી હતી.
મંદોદરી
દાનવરાજ મયની પુત્રી મંદોદરીનું ભાગ્ય એ જ દિવસે રૂઠી ગયું હતું જ્યારે તેણે અહંકારી રાવણ સાથે લગ્નસંબંધ બાંધ્યો હતો. પરસ્ત્રી-હરણ કરનાર રાવણ જ્યારે એક એક ડગ પોતાના અને પોતાના કુળના વિનાશ તરફ વધારી રહ્યો હતો ત્યારે મંદોદરીએ વારંવાર પતિવ્રત ધર્મનું ઉત્તમ પાલન કર્યું હતું. મંદોદરીએ માર્ગ ભૂલેલા પતિને ધર્મના માર્ગે લાવવા માટે એક વાર નહીં, બલકે અનેક વાર સમજાવવાની કોશિશ કરી. તે રાવણની આગળ આજીજીઓ કરતી રહી. સીતાને ક્ષેમકુશળ પાછાં મોકલી દઈને શ્રીરામની શરણાગતિ સ્વીકારી લેવા માટે રાવણને સમજાવવાનો મંદોદરીએ છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યો. મંદોદરીએ ન માત્ર પત્ની જ બલકે મિત્ર બનીને પણ રાવણને ધર્મ અને નીતિના માર્ગે પાછા ફરવા સમજાવ્યો. જરૂર પડી ત્યારે તેણે પિતા મયની પણ મદદ માગી. મંદોદરીએ સીતાના અપહરણના પ્રથમ દિવસથી લઈને શ્રીરામના હાથે રાવણના વધ પહેલાં સુધી પતિવ્રત ધર્મનું પાલન કર્યું, પરંતુ રાવણના અહંકારના પગલે મંદોદરીને પોતાના 7 પુત્રો, એક દિયર અને સ્વયં પતિ રાવણના મૃતદેહો પર વિલાપ કરવાની ઘડી આવી. છતાં પણ મંદોદરીએ અંતિમ શ્વાસ સુધી અધર્મી હોવા છતાં પતિનો સાથ છોડ્યો નહોતો.