વિકાસની નવી સંભાવનાઓ સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે એવા સેક્ટર શોધવા અને તે માટેનું વિચાર-મંથન આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવા દેશ-વિદેશના ઉદ્યોગપતિઓને વડાપ્રધાનનું આહવાન
ગુજરાત દુનિયાના દેશો માટે વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમ દ્વારા ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ બનવા સજ્જ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગાંધીનગર,સપ્ટેમ્બર, 2023 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૨૦ વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદમાં આયોજિત સમિટ ઓફ સક્સેસને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, બે દાયકા પહેલા વાવેલું નાનકડું બીજ આજે વિશાળ અને વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની ગઈ છે. દરેક વખતે આ સમિટ સફળતાની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાનો મંત્ર સમજાવતાં કહ્યું કે, આઈડિયા, ઈમેજીનેશન અને ઇમ્પ્લીમેન્ટેશન જેવા કોર એલીમેન્ટ વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સામેલ છે.
તેમણે કહ્યું કે, યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોકસ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતે વિશ્વને બતાવ્યું છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મુકવાનું એક માધ્યમ બની છે. દેશના ટેલેન્ટનો વિશ્વને પરિચય આપવાનું અને ગુજરાતની દિવ્યતા, ભવ્યતા અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું માધ્યમ આ વાઇબ્રન્ટ સમિટ બની છે.
વડાપ્રધાનએ આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિતો અને દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકાસની નવી સંભાવનાઓ સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે એવા સેક્ટર શોધવા અને તે માટેનું વિચાર-મંથન આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવા આહવાન કર્યું હતું.

વડાપ્રધાનએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યું કે, સારા કાર્યને ઉપહાસ, વિરોધ અને ત્યાર પછી સ્વીકાર એમ ત્રણ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. વાઇબ્રન્ટ સમિટની પરંપરા શરૂ કરી ત્યારે કહેવાતું કે આ તો માત્ર બ્રાન્ડિંગ ઇવેન્ટ છે. પરંતુ દુનિયા સમક્ષ વાઇબ્રન્ટ સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે આ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ માટેની ઇવેન્ટ છે. ગુજરાતના સાત કરોડ નાગરિકના સામર્થ્ય અને સ્નેહથી પાછલા ૨૦ વર્ષમાં વાઇબ્રન્ટ સમિટની દરેક શૃંખલા સફળ બની રહી છે.
વડાપ્રધાનએ વાઇબ્રન્ટ સમિટની બે દાયકાની સફળતાનો ચિતાર આપતા કહ્યું કે, ૨૦૦૩માં અમુક સેંકડો પાર્ટીસિપન્ટસ આવ્યા હતા અને હવે ૪૦ હજારથી વધુ પાર્ટીસિપન્ટસ આ સમિટમાં જોડાય છે. ૨૦૦૩માં જૂજ દેશો ભાગીદાર બન્યા હતા જ્યારે હવે ૧૩૫થી વધુ દેશ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવે છે. ૨૦૦૩માં ૩૦ની આસપાસ એક્ઝિબિટર્સ જોડાયા હતા જ્યારે હવે ૨૦૦૦થી વધુ એક્ઝિબિટર્સ આ સમીટનો યોગ્ય મંચ તરીકે ઉપયોગ કરે છે.
ગુજરાતે અલગ-યુનિક રીતે વિચાર્યુ. વાઇબ્રન્ટ સમીટમાં કોઇ ડેવલપ્ડ નેશનને પાર્ટનર કન્ટ્રી બનાવવાનું જ્યારે કોઈએ વિચાર્યું ન હતું પણ ગુજરાતે કરી દેખાડ્યું. એ જ ઓફિસર્સ અને એ જ રિસોર્સ સાથે ગુજરાતે એવું કરી દેખાડ્યું જેનું કોઈએ વિચાર કર્યો ન હતો.
દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે, તેમના રાજ્યની ક્ષમતાઓનું નિદર્શન કરવા માટે આપણે આમંત્રિત કરતા હતા. દેશના જુદા જુદા સંગઠનો, જુદા જુદા ઔદ્યોગિક મેળાઓ વગેરેને જોડીને એનેક વર્ટિકલને વાઇબ્રન્ટ સમિટ સાથે જોડતા ગયા, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, ૨૦ વર્ષ એક લાંબો સમય છે, આજની યુવા પેઢીને કદાચ ખબર રહી હોય કે ભૂકંપ પછી ગુજરાતની શું સ્થિતિ હતી! ૨૦૦૧ પહેલાંના વર્ષોમાં સતત પાણીનો દુકાળ અને ત્યારબાદ આવેલા ભૂકંપથી હજારો ઘરોની તારાજી લાખો લોકોની બેહાલી અને તકલીફ ભર્યું જીવન હતું.
વડાપ્રધાનએ ઉમેર્યું કે, મુશ્કેલ પરિસ્થિતિ અહીં જ અટકી ન હતી, માધવપુરા મર્કેન્ટાઇલ બેંક બંધ થવાથી બીજી ૧૩૩ જેટલી સહકારી બેંકોને અસર થઇ હતી. એક રીતે ગુજરાતના આર્થિક જીવનમાં હાહાકાર વ્યાપ્યો હતો.
તેમણે કહ્યું કે, આ વિકટ પરિસ્થિતિમાંથી ગુજરાત બહાર આવશે તેવો તેમને અતૂટ ભરોસો હતો. જે લોકો ગુજરાત વિરોધિ એજન્ડા લઈને આવતા હતા તેઓ દરેક ઘટનાનું એનાલિસિસ કરતા અને ગુજરાતને બદનામ કરવાની કોશિશો કરતા. આવા લોકો કહેતા કે ગુજરાતમાંથી યુવાનો, ઉદ્યોગો, વ્યાપારીઓ બધા જ પલાયન કરશે, ગુજરાત બરબાદ થઈ જશે અને દેશ માટે બોજારૂપ બની જશે. બદનામીના ષડયંત્રો લઈને ચાલનારા લોકોએ નિરાશાનો માહોલ ઊભો કર્યો હતો, તેઓ કહેતા કે ગુજરાત ક્યારેય પગભર નહીં થાય.
વડાપ્રધાનએ આ સંદર્ભમાં કહ્યું કે, આવા મુસિબતના સમયે તેમણે સંકલ્પ લીધો કે કોઈપણ પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર લઈ આવું છે, આગળ લઈ જવું છે, આ વિચારમાંથી વાઇબ્રન્ટ સમિટનોપ્રારંભ થયો અને ગુજરાતનું માત્ર પુનઃનિર્માણ નહીં પરંતુ દાયકાઓ આગળનું વિચારી રાજ્યના વિકાસ માટેના કાર્ય સરકારે આરંભ્યા. આ દીર્ઘકાલીન વિકાસનું એક માધ્યમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બની છે.
વડાપ્રધાનએ કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટ પરંપરા શરૂ થઇ ત્યારે એ તબક્કે તત્કાલિન કેન્દ્ર સરકાર ગુજરાતના વિકાસ માટે અરુચિ દાખવતી હતી. પરંતુ ગુડ, ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેટ અને ઇકવલ સીસ્ટમ ઓફ ગ્રોથને પરિણામે દેશ-વિદેશના ઉદ્યોગો ગુજરાતમાં આવતા ગયા.
વડાપ્રધાનએ કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરી ત્યારે અમારો હેતુ ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવાનો હતો. સમગ્ર દેશે આ પરિકલ્પનાને હકીકતમાં સાકાર થતાં જોઈ છે.
૨૦૧૪માં જ્યારે કેન્દ્રમાં નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બને તેવો સંકલ્પ તેમણે કર્યો હતો. ભારત આજે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે, ભારત ગ્લોબલ ઇકોનોમિક પાવર હાઉસ બનવા જઈ રહ્યું છે. હવે ભારતને દુનિયાના ટોચના ત્રણ અર્થતંત્રમાં સ્થાન અપાવવું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ કહ્યું કે, ૨૦મી સદીમાં ગુજરાતની છાપ ટ્રેડર્સ તરીકેની હતી, તેને ૨૧મી સદીમાં બદલીને ટ્રેડની સાથે એગ્રીકલ્ચરલ પાવર હાઉસ, ફાઇનાન્સિયલ હબ તેમજ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ તરીકે નવી ઓળખ અપાવી. આના કારણે ગુજરાતની વ્યાપારી ઓળખ પણ વધુ મજબૂત બની. આ બધુ વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાને આભારી છે, જે આઈડિયા. ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીઝના ઇન્ક્યુબેટર તરીકે કામ કરી રહી છે.
વડાપ્રધાનએ કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે ઓટોમોબાઇલ, મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, ડાઈઝ અને ઇન્ટરમીડિયેટ્સ, ફૂડ પ્રોસેસિંગ, મેડિકલ ડિવાઈસ મેન્યફેક્ચરીંગ, પ્રોસેસ્ડ ડાયમંડ, સિરામિક સહિતના ક્ષેત્રોમાં નવા સોપાનો સર કર્યા છે.
ગુજરાત દેશનું ટોપ એક્સપોર્ટર રાજ્ય બની ગયું છે. ગુજરાતે ગત વર્ષે લગભગ ૨ બિલિયન યુએસ ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું. આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ બહુ મોટા ક્ષેત્ર તરીકે ઊભરી આવવાનું છે.
તેમણે કહ્યું કે, ભારત આજે દુનિયામાં સસ્ટેનેબિલીટીની બાબતમાં નેતૃત્વ કરી રહ્યું છે. દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વાઇબ્રન્ટ સમિટને કેવી રીતે મહત્તમ લાભ મળી શકે તે અંગે પણ વિચારવું પડશે.
વડાપ્રધાનએ કહ્યું કે, હવેનો આ સમય વિરામનો સમય નથી. પાછલા ૨૦ વર્ષ કરતા આવનારા ૨૦ વર્ષ વધુ મહત્વના છે. વાઇબ્રન્ટ સમિટની સફળતાના ૪૦ વર્ષ મનાવીએ ત્યારે વિકસિત- આત્મનિર્ભર ભારત તરીકે રાષ્ટ્રને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવાનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જી-20 પ્રેસીડેન્સીની ઐતિહાસિક સફળતા માટે સમગ્ર ગુજરાતની જનતા વતી અભિનંદન આપીને એમના પ્રવચનની શરૂઆત કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં નવા ભારત સાથે વિશ્વના દેશો સહભાગીતા માટે તત્પર છે. તેના કારણે આજે ભારતમાં નવી ટેકનોલોજી, નવા ઉદ્યોગો અને નવા રોજગારનાં અવસરો આવી રહ્યાં છે.
ગુજરાતમાં નવા ઉદ્યોગો આવે, નવી ટેકનોલોજી આવે, નવા રોજગારના અવસરો આવે તેવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાનએ વાઇબ્રન્ટ સમિટનો વિચાર આપ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં વાવેલું વાઇબ્રન્ટ સમિટનું બીજ આજે ૨૦ વર્ષે એક વટવૃક્ષ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતને ઉદ્યોગો, મૂડીરોકાણો અને રોજગાર સર્જન ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમકાવવાનું નરેન્દ્રભાઈએ સેવેલું સપનું સાકાર થયું છે. આ અવસરને આપણે સમિટ ઓફ સક્સેસ તરીકે ઉજવી રહ્યા છીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે આર્થિક વિકાસ સાથે સામાજના દરેક વર્ગ દરેક ક્ષેત્ર સુધી વિકાસ પહોંચ્યો છે. આ સમિટે ગુજરાતની પ્રગતિના નવા બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યાં છે. આજે ગુજરાત દેશનું અગ્રણી એક્સ્પોર્ટર સ્ટેટ છે અને ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓમાંથી અનેક કંપનીઓ ગુજરાતમાં કારોબાર ધરાવે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, બે દાયકા પહેલાં વાઈબ્રન્ટ મહોત્સવના પ્રારંભે વડાપ્રધાનએ ગુજરાત અને ગુજરાતીઓની ક્ષમતામાં અતૂટ વિશ્વાસ મૂકીને “ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ.”નો મંત્ર આપ્યો હતો. વડાપ્રધાનએ મૂકેલો એ વિશ્વાસ આજે સૌના સાથ સૌના વિકાસના મંત્રથી ચરિતાર્થ થયો છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આજે ગુજરાતમાં ભારતનું સૌથી પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર GIFT સિટી, સૌથી મોટું ગ્રીન ફિલ્ડ સ્પેશિયલ ઇનવેસ્ટમેન્ટ રિજિયન ધોલેરા, વિશ્વનું સૌથી મોટું સિંગલ ઓફિસ કોમ્પ્લેક્સ DREAM સિટી, વગેરે જેવા વૈશ્વિક સ્તરના પ્રોજેક્ટ્સ કાર્યરત છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટુ અર્થતંત્ર બન્યું છે અને તેમનું લક્ષ્ય ૨૦૨૭ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું છે. આ લક્ષ્યસિદ્ધિ માટે ગુજરાત પ્રોએક્ટિવ પોલિસીઝ-પ્રો-પિપલ ગવર્નન્સ સાથે યોગદાન આપવા કટિબદ્ધ છે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સેમિ કન્ડક્ટર્સ, ડિસ્પ્લે ફેબ્સ, ગ્રીન હાઇડ્રોજન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 5G, એડવાન્સ્ડ મટિરિયલ્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ઇ-કોમર્સ જેવા ઊભરતાં ક્ષેત્રોમાં ગુજરાત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આવનારા વર્ષોમાં ગ્રીન હાઇડ્રોજન હબ બનીને વિશ્વના ક્લાયમેટ ચેન્જના પડકારો સામે અને ગ્લોબલ સસ્ટેનેબીલિટીમાં પોતાનું યોગદાન આપવા માટે પણ ગુજરાત તૈયાર છે. ગુજરાત પોતાની આવી ક્ષમતાઓ ઉજાગર કરીને દુનિયાના દેશો માટે ગેટ વે ટુ ધી ફ્યુચર બનવા સજ્જ છે, તેમ તેમણે દ્રઢતાપૂર્વક ઉમેર્યું હતું.
ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂતે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના સુગ્રથિત વિકાસ માટે આજથી ૨૦ વર્ષ પહેલાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતની પ્રગતિની વધુ ગતિ આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં “વાઈબ્રન્ટ ગુજરાત”ની શરૂઆત કરી હતી અને અને આજે પણ તેમના માર્ગદર્શન હેઠળ વાઈબ્રન્ટ ગુજરાતની દશમી શૃખલા યોજાઈ રહી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
મંત્રી રાજપૂતે ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૯ના નવમા વાઈબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમ.ઓ.યુ. પૈકીના ૯૦ ટકા એમ.ઓ.યુ. સફળ થયાં છે.આઝાદીના અમૃતકાળ પહેલાં વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન રાજ્યમાં ડીસેમ્બર ૨૦૨૨ થી આજદીન સુધી ૧૧૮ પ્રોજેક્ટ માટે એમ.ઓ.યુ. કર્યા અને રૂ.૧,૪૭,૦૦૦ કરોડ રૂપિયાના મૂડી રોકાણ થનાર છે. જેમાંથી મોટાભાગના પ્રોજેક્ટ ઉત્પાદનમાં આવી ગયાં છે અને બાકીના અમલીકરણ હેઠળ છે.
આ પ્રસંગે જેટ્રો સાઉથ એશિયાના ડારેકટર જનરલ તાકાસી સુઝુકી, આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ, વેલસ્પન ગ્રુપના ચેરમેન બી.કે.ગોએન્કા એ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
વડાપ્રધાન આ પહેલા સાયન્સ સિટી ખાતેના ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયન નું ઉદ્ઘાટન કરીને મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, રાજ્યમંત્રી મંડળના સભ્યઓ, અમદાવાદના મેયર મતી પ્રતિભા જૈન, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસ નાથન સહિત ઉચ્ચ અધિકારીઓ, રાજ દ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ આપતી કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.