જૈવવિવિધતા સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ
ગાંધીનગર, 30 જાન્યુઆરી : પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્રે દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા કચ્છને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન તેમજ પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત પ્રયાસોથી ગુજરાત બાયોડાયવર્સિટ બોર્ડે (જીબીબી)એ કચ્છ જિલ્લાનાં લખપત તાલુકાનાં ગુનેરી ગામનો 32.78 હૅક્ટર વિસ્તાર ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ તરીકે જાહેર કરાવામાં આવ્યો છે કે જેથી કચ્છની વિવિધતાપૂર્ણ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે.

વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત કાર્યરત જીબીબીનાં જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલારુપે ગુનેરી ખાતેની આ 32.78 હૅક્ટરમાં પથરાયેલ ‘ઇનલૅંડ મૅંગ્રૂવ ગુનેરી” હવે ગુજરાતની ‘પ્રથમ બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર થઈ છે.
નોંધનીય છે કે મૅંગ્રૂવ મુખ્યત્વે દરિયા કિનારે એવી જગ્યાએ જોવા મળે છે કે જ્યાં 24 કલાકમાં એક વાર પાણી આવીને જતું રહેતું હોય અથવા જ્યાં સતત દલદલ એટલે કે કીચડ રહેતું હોય; પરંતુ અરબી સમુદ્રથી 45 કિ.મી. તથા કોરીક્રિકથી 4 કિ.મીના અંતરે ગુનેરી ખાતે આવેલ મૅંગ્રૂવમાં પાણી ક્યારેય આવતું નથી કે કીચડ કે દલદલ પણ નથી. અહીં સપાટ જમીન પર 32.78 હૅક્ટર વિસ્તારમાં મૅંગ્રૂવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે કે જે આપોઆપ એક વિશિષ્ટતા છે. તેથી આવી સપાટ જમીન પર જંગલની જેમ પથરાયેલ મૅંગ્રૂવની વિશિષ્ટ અને યુનિક જગ્યા વિશે લોકોને જાણવા મળે; એ ખૂબ જરુરી છે.

એટલા માટે તેનું સંરક્ષણ અને સંવર્ધન થાય; તે હેતુથી જીબીબીની ભલામણને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાની “ઇનલૅંડ મૅંગ્રૂવ ગુનેરી” સાઈટને ગુજરાતની પ્રથમ ‘બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ“ તરીકે જાહેર કરવામા આવી છે. તેમાં ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડના મેનેજમેંટ પ્લાન થકી તેના ફ્લોરા અને ફૌનાનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવનાર છે. વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે કે અહીં સ્થાનિકોના અધિકારો અને વિશેષાધિકારોનું સન્માન કરવામા આવશે. ઉપરાંત; સ્થાનિકો,વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક વન અને આદિવાસી પ્રજાના ક્ષમતાવર્ધન તાલીમ દ્વારા બાર્યોડાયવર્સિટીનુ સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે.