સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બનવાના સપના સેવતો દિવ્યાંગ યુવાન પાર્થ રાવલ
પાર્થે મજબૂત મનોબળ રાખી શિક્ષણ અને નોકરીના પડકારોનો સ્વીકાર કર્યો
ગાંધીનગર, 31 જાન્યુઆરી : રામાયણ કાળમાં જ્યારે રાવણની રાજસભામાં અંગદે પોતાના પગ ધરતી પર મૂકી રાવણના તમામ દરબારીઓને પગ ખસેડી આપવાનો પડકાર ફેંક્યો, ત્યારે અંગદનો પગ એટલો અડગ રહ્યો કે રાવણનો એક પણ દરબારી તેને હલાવી ન શક્યો. રાવણે પણ જ્યારે અંગદનો પગ હચમચાવવાની ચેષ્ટા કરી, ત્યારે અંગદે પોતે જ પગ ખસેડી લીધો અને તેને રામના શરણે જવાની સલાહ આપી.
કળિયુગમાં પણ અંગદના પગ જેવા મજબૂત પગ ધરાવતા લોકો છે અને તેનો સાક્ષાત દાખલો છે પાર્થ કમલેશ રાવલ કે જે સેરેબ્રલ પાલ્સીના કારણે બંને હાથે દિવ્યાંગ છે, પરંતુ તેણે પોતાના બંને પગને અંગદના પગ બનાવી લીધા છે.

સેરેબ્રલ પાલ્સી સાથે જન્મેલાં બાળકો શું ના કરી શકે! આશ્ચર્યની વાત એ છે કે, આ બાળકો સામાન્ય બાળકો કરતાં પણ વધારે ટેલેન્ટ ધરાવતા હોય છે. આવો જ એક દિવ્યાંગ યુવાન એટલે પાર્થ કમલેશ રાવલ જે જીવનની શરૂઆતથી જ પડકારોનો સામનો કરીને આગળ વધી રહ્યો છે.
પાર્થની શરૂઆત અમદાવાદમાં આવેલ સંસ્થા ‘નેશનલ સોસાયટી ફોર ઈક્વલ ઓપોર્ચ્યુનિટીઝ ફોર હેન્ડીકેપ્ડ’થી થઈ હતી. પાર્થે પ્રાથમિક શિક્ષણ આંબલીયાસણની સ્થાનિક સરકારી શાળામાં મેળવ્યું હતુ. જોકે, પાર્થનું જીવન અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં અલગ હતું પરંતુ, સામાન્ય બાળકોની સાથે શિક્ષણ મેળવવાનો તેને આનંદ હતો. સમય સાથે શાળા અને શિક્ષણ સંસ્થાઓના સહયોગથી પાર્થે પોતાનો સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.
પાર્થે ભણતર કાળમા શૈક્ષણિક સિદ્ધિઓ મેળવવા ઉપરાંત ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ ખૂબ રસ લીધો. એક વર્ષ સુધી ચેસની રમત અને ચિત્રકામના અનુભવોએ પાર્થના વિકાસમાં ભાગ ભજવ્યો અને તેને વધુ સ્થિતિસ્થાપક અને આત્મવિશ્વાસપૂર્ણ બનાવવામાં મદદ કરી. અમદાવાદમાં આવેલ યુનિક ચિલ્ડ્રન ક્લબનો પણ પાર્થના જીવનમાં ઘણો સહકાર રહ્યો. આ સંસ્થાએ પ્રોત્સાહન આપીને પાર્થના વિકાસમાં મોટો ભાગ ભજવ્યો.
આ બધી કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ પાર્થે વિશ્વની અગ્રણી બહુરાષ્ટ્રીય કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)માં નોકરી મેળવી. પાર્થ અહીં છેલ્લાં અઢી વર્ષથી બીપીઓ ટ્રેઈની તરીકે કામ કરે છે. પાર્થની સૌથી અલગ વાત એ છે કે, તે તેના પગ અને અંગૂઠા દ્વારા લેપટોપ, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનું સંચાલન કરી શકે છે. તેણે ક્યારેય તેની શારીરિક મર્યાદાઓના કારણે પાછીપાની કરી નથી. પાર્થે તેની બધી પરીક્ષાઓ લેખકની મદદથી આપી, અને બીજી રીતે તેણે તેના માર્ગમાં આવતા તમામ પડકારોને સ્વીકારી લીધા.
સેરેબ્રલ પાલ્સીથી આવેલા અવરોધો છતાં, પાર્થે ક્યારેય આગળ વધવાનું બંધ કર્યું નથી. પાર્થે પોતાનો વ્યવસાય શરૂ કર્યો, જેમાં તે નાનાં બાળકોનાં કપડાંનો વ્યવસાય કરે છે. દિવ્યાંગ પાર્થ રમતગમત, ખાસ કરીને ક્રિકેટમાં ઊંડો રસ ધરાવે છે. પાર્થને નાનપણથી જ રમતગમતમાં, ખાસ કરીને ક્રિકેટમાં ઊંડો શોખ રહ્યો છે. પણ જેમ જેમ તેનો સમય અને સમજ વધતી ગઈ તેમ તેમ તેને ક્રિકેટમાં ઊંડો રસ પડવા લાગ્યો. આ ઉપરાંત, પાર્થ રમતગમતના વિવિધ વિષયો ઉપર લખે છે.

પાર્થ પોતે એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બનવાનું સપનું સેવે છે. તે પોતાની નોકરીની સાથે નવરાશના સમયમાં સ્પોર્ટ્સ વિશે આર્ટિકલ પોતાની સમજણ અને મંતવ્યોને આધારે ઇન્ટરનેટ દ્વારા રીસર્ચ કરીને લખે છે. જેમ કે, 2024 ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનો વિવાદ, મુંબઈ ઈન્ડિયન્સ સાથે રોહિત શર્માને જાળવી રાખવાની અટકળો, ICCના અધ્યક્ષ તરીકે જય શાહની ચૂંટણી, શીતલ દેવી, અવની લેખારા, પ્રીતિ પાલ, નિષાદ કુમાર અને હરવિંદરસિંહ જેવા એથ્લેટ્સની સિદ્ધિઓ, જગ્રિનહામની ગ્રાઉન્ડબ્રેકિંગ પેરાઓલમ્પિક મેડલની જીત, ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેશ અને અર્જુનની સફળતા, ટેસ્ટ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાની સંભવિત વાપસી, લાંબી ટેસ્ટ સિઝન માટે ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયાનો કેમ્પ, ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ ટેસ્ટ સીરીઝ માટે યશ દયાલનો પ્રથમ કોલ અપ, રિકી પોન્ટિંગ IPL 2025 માટે પંજાબ કિંગ્સ સાથે મુખ્ય કોચ તરીકે જોડાયાની વાત જેવા વિવિધ વિષયો આવરી લઈને તેણે ઘણા લેખો અત્યાર સુધીમાં લખ્યા છે.
દિવ્યાંગ યુવાન પાર્થ માટે હાર માની લેવાનો વિકલ્પ ક્યારેય રહ્યો નથી. પરિવારનો સહયોગ જ પાર્થ જેવા દિવ્યાંગ બાળક માટે આશીર્વાદ સમાન રહ્યો. પાર્થ તેનામાં રહેલા ધીરજના ગુણ માટે તેની મોટી બહેન નેહા રાવલનો આભાર માને છે. પાર્થને શિક્ષણ મેળવવા અને મોટા સપના જોવાની પ્રેરણા આપનારાં તેનાં માતા-પિતા તેની સાથે ખડકની જેમ કાયમ ઊભા રહ્યા છે. પાર્થ તેના ગુરુ અને મિત્રોને તેની કરોડરજ્જુ સમાન ગણાવે છે. પાર્થ કહે છે કે, તેને સ્પોર્ટ્સ અને માનવની જિંદગી એકસમાન લાગે છે. જેમ સ્પોર્ટ્સમાં હાર-જીત, ઉતાર ચઢાવ હોય છે, તેવી રીતે માનવની જિંદગીમાં પણ ઉતાર ચઢાવ આવતા જ હોય છે. આ જીવનનો એક ભાગ છે. આ ઉતાર-ચઢાવ હોય તો જ જીવન જીવવાની મજા આવે. આમ, જીવનથી ભરપૂર એક દિવ્યાંગ યુવાન પોતાનાં સપનાં સાથે આગળ વધી રહ્યો છે.