એન.સી.સી. – નેશનલ કૅડેટ કોરના ગુજરાત, દાદરા-નગર હવેલી, દમણ અને દીવના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયેલા મેજર જનરલ રાય સિંહ ગોદારાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મેજર જનરલ રાય સિંહ ગોદારા જૂન 1991 માં 21 મિકેનાઈઝડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં ભારતીય સેનામાં જોડાયા હતા. ટેન્ક ટેકનોલૉજી અને ડિઝાઇનિંગના વિશેષજ્ઞ મેજર જનરલ રાય સિંહ ગોદારાએ યુ. એન. શાંતિ રક્ષા મિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મેજર જનરલ રાય સિંહ ગોદારાને તેમની નવી નિયુક્તિ માટે શુભકામનાઓ પાઠવી હતી અને ભારતીય સેનામાં તેમના યોગદાનની સરાહના કરી હતી. તેમણ કહ્યું કે, ભારતીય સેના દેશનું ગૌરવ, પ્રતિષ્ઠા, સુખ અને શાંતિ છે. ભારતીય સેનાએ વિશ્વમાં અલગ-આગવી ઓળખ ઊભી કરી છે. શ્રી ગોદારાના સૈન્યના અનુભવોનો એન.સી.સી.ના નેતૃત્વમાં વિશેષ લાભ મળશે એવી અભિલાષા પણ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી.