મરક્યુરી ઈવી ટેકના જયેશ ઠક્કરના સહકારથી બનાવડાવી પિંક ઈ-રિક્શા
ગોધરા, 03 માર્ચ શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતે પંચમહાલ ડિસ્ટ્રીક્ટ બેંક દ્વારા શહેરાના અલગ અલગ ગામોની મહિલાઓને ઈલેક્ટ્રિક વ્હિકલ સહાય યોજના અંતર્ગત ઈ-રિક્શાનું વિતરણ કરાયું હતું. નારી સશક્તિકરણ અભિયાનના ભાગરૂપે “સશક્ત નારીનો નવો આધાર, ઈ- રિક્શાથી મળશે રોજગાર‘“ સૂત્રને સાર્થક કરવાના હેતુસર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતેથી ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે શહેરા મત વિસ્તારના અલગ અલગ ગામોની પાંચ મહિલાઓને ઈ-રિક્શાની ચાવી આપી ઈ-રિક્શાનું વિતરણ કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે જેઠાભાઈ ભરવાડે મહિલાઓને ઈ-રિક્શા ચલાવી પોતે પગભર થઈ રોજગારી મેળવવાની અપીલ કરી હતી. ત્યાર બાદ મહિલાઓએ ઈ- રિક્શામાં પેસેન્જર બેસાડીને રોજગારી મેળવવાની શરૂઆત કરી હતી. આ ઈ-રિક્શા રાજ્ય સરકારની ઈલેક્ટ્રિક વ્હિકલ સહાય યોજના અંતર્ગત પંચમહાલ ડિસિસ્ટ્રિક્ટ બેંક દ્વારા લોન આપીને આપવામાં આવી છે,જેમાંઈ-રિક્શા મેળવેલ મહિલાઓને સરકાર તરફથી રૂપિયા ૪૮ હજારની સબસીડી મળશે જ્યારે બાકી લોનની રકમ મહિલાઓ ઈ-રિક્શા થકી રોજગારી મેળવી ભરશે.આ ઈ-રિક્શાના માધ્યમથી મહિલાઓ રોજગારી મેળવતી થશે અને પોતે પોતાના પરિવાર માટે આર્થિક યોગદાન આપી શકશે.
મરક્યુરી ઈવી ટેકના જયેશ ઠક્કરે બનાવી ખાસ પિંક ઈ-રિક્શા
જેઠાભાઈ ભરવાડની આ પહેલમાં મરક્યુરી ઈવી ટેક લિમિટેડના જયેશ ઠક્કરનો ખાસ સહકાર રહ્યો છે. જેઠાભાઈ ભરવાડે મરક્યુરી ટેક લિમિટેડના જયેશ ઠક્કરની વડોદરા સ્થિત મેન્યુફેક્ચરિંગ ફેસેલીટીની ખાસ મુલાકાત લઈ મેક ઇન ઈન્ડિયાનો સૂત્ર જીવંત કરતા ખાસ પિંક ઇલેક્ટ્રિક રિક્ષા બનાવડાવી અને પંચમહાલની સ્ત્રીઓને પગભર કરવા એક ઉમદા અને આગવું પગલું ભર્યું છે.
આવા દીર્ઘદ્રષ્ટા અને બાહોશ નેતા અભિનંદનને પાત્ર છે. ગુજરાતના નકશા પર પ્રાચીન સમૃદ્ધિ, સંસ્કૃતિ, પર્યટન અને પર્યાવરણના હાર્દ સમા પંચમહાલના લોકનાયક શ્રી જેઠા ભાઈ ભરવાડના પગલાં થકી ઝીરો કાર્બન તેમજ પર્યાવરણ સુરક્ષાનો પણ ઉત્તમ ઉદાહરણ પૂરી પાડ્યું છે. આવનાર સમયમાં શ્રી જેઠાભાઈ ભરવાડ દ્વારા હજુ બીજી 80 પિંક ઇલેક્ટ્રિક રિક્ષા ને બનાવવા માટેના યોગ્ય દિશા નિર્દેશ અપાઈ ચૂક્યા છે.
પીડીસી બેંકે બે લાખની લોન આપી: ૪૮૦૦૦ સબસીડી
પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક (પીડીસી)ના સીઈઓ શ્રી રસેશ શાહે જણાવ્યું કે પીડીસી બેંક દ્વારા ઈ-રિક્શાની ખરીદી માટે શહેરા વિસ્તારની એક મહિલા દીઠ રૂપિયા ૨ લાખની લોન આપવામાં આવી છે કે જેમાંથી રાજ્ય સરકારની ઈલેકિટ્રક વ્હિકલ સહાય યોજના અંતર્ગત ૪૮ હજારની સબસીડી મળશે. બાકીના લોનના નાણાં મહિલાઓને ભરપાઈ કરવાના રહેશે. આ ઈ-રિક્શાની ખરીદી માટે મહિલાઓએ પણ પ્રથમ ૧૧ હજારનો ફાળો આપ્યો હતો.