તંત્રી લેખ : કન્હૈયા કોષ્ટી
અમદાવાદ. અંતર્જાળ (INTERNET)ના યુગમાં માહિતીઓ અર્થાત્ જાણકારીઓનું પ્રચાર-પ્રસાર કરનાર કરોડો માધ્યમો (MEDIA) ઉપલબ્ધ છે. લાખો સમાચાર વેબસાઇટ તેમજ મોબાઇલ એપ છે, તો ઇલેક્ટ્રૉનિક મીડિયામાં પણ સમાચાર ચૅનલોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દરેક સમાચાર મીડિયા ઉપલબ્ધ માહિતીઓને તીવ્ર ઝડપે જ નહીં, પણ સૌપ્રથમ પહોંચાડવાની હરીફાઈમાં જોતરાયેલું છે. દરેક ઘટનાને BREAKING BIG કે BREAKING શબ્દ પ્રયોજી લોકો સુધી પહોંચાડવાની વૃત્તિ સામાન્ય બની ગઈ છે. પત્રકારત્વ (મીડયા)માં વર્ષો જૂની વિશ્લેષણ, મંઘન, જન-સંદેશ, વાસ્તવિક તેમજ કડવા સત્યનાં પ્રચાર-પ્રસારની પરંપરા ક્યાંકને ક્યાંક અવરોધાઈ છે. આધુનિકતાના નામે FAST AND FIRSTની હરીફાઈમાં મીડિયાના અનેક પ્રારૂપોમાં ક્યારેક-ક્યારેક ભ્રામક, મિથ્યા, અસત્ય તેમજ અપુષ્ટ માહિતીઓના દૂષણો પ્રવેશ કરી જાય છે કે જેના પગલે સમાચારના વાસ્તવિક અર્થ તથા રૂપ ક્યાંક લુપ્તપ્રાય: થઈ ગયા હોવાની પ્રતીતિ થાય છે.
ભારતના પશ્ચિમી સમુદ્ર કાંઠે આવેલ ગુજરાતનાં આર્થિક પાટનગર પ્રાચીન-ઐતિહાસિક અમદાવાદ મહાનગરની ભૂમિ પરથી ‘ભવ્ય ભારત ન્યૂઝ’ (બીબીએન-BBN)નો આજરોજ 18 એપ્રિલ, 2020 શનિવાર (ચૈત્ર વદ 11, વિક્રમ સંવત્ 2076 – वैशाख कृष्ण 11, विक्रम संवत् 2077)ના દિવસે ઉદય થયો છે. લોકશાહીનાં ચોથા સ્તંભમાં એક નવજાત શિશુની જેમ પ્રવેશ કરી રહેલા બીબીએનના બહુ-બહુ મોટા વાયદાઓ કે દાવાઓ નથી, પણ છતાંય અમારો સંપૂર્ણ પ્રયત્ન રહેશે કે અમે વર્તમાન ‘BREAKING, BIG BREAKING કે FIRST ON…’ જેવી ઘેંટાદોટ ધરાવતા પત્રકારત્વથી પર ભારતવાસીઓ તેમજ ભારતવંશીઓ સહિત સમગ્ર વિશ્વ સમક્ષ સત્ય, પુષ્ટ તથા તથ્ય આધારિત માહિતીઓ, જાણકારીઓ રજૂ કરીએ. બીબીએન માત્ર માહિતીઓ-જાણકારીઓનોનો સંપુટ કે ભાર નહીં હોય, પણ દરેક વિષયની સમીક્ષા તથા છણાવટ સાથે સમાધાનપૂર્વક જ્ઞાનનો ભંડાર બની લોકો સમક્ષ રજુઆત કરશે.
‘ભવ્ય ભારત ન્યૂઝ’ (BHAVY BHAARAT NEWS)નો પાયો તો અંગ્રેજી નૂતન વર્ષ 1લી જાન્યુઆરી, 2020ના દિવસે જ નંખાઈ ગયો હતો અને તે જ દિવસે તેની શુભારંભ તિથિ (LAUNCING DATE) 18 એપ્રિલ, 2020 નક્કી થઈ ચુકી હતી, કારણ કે આ જ તારીખે મારી ‘પત્રકારત્વ યાત્રા’ના 26 વર્ષ પૂર્ણ થાય છે. પોતાના પત્રકારત્વની 26મી વર્ષગાંઠના ઉપલક્ષ્યે ભારત માતાને સમર્પિત ‘ભવ્ય ભારત ન્યૂઝ’ વેબ પોર્ટલની સંકલ્પના કરાઈ તથા તેની કાર્યયોજનાનો કાર્યારંભ કરવામાં આવ્યો, ત્યારે મેં, અમે, આપણા દેશે કે વિશ્વના ચીન સિવાયના કોઈ પણ દેશે સ્વપ્નેય આ કલ્પનો નહોતી કરી કે બીબીએનનો શુભારંભ દિવસ આવતાં સુધી ભારત સહિત સમગ્ર વિશ્વ ઘાતક ‘સંક્રમણ કાળ’ના શકંજામાં ફસાઈ ચુક્યું હશે.
આમ માનવીય મનની કલ્પનાઓ, પ્રારબ્ધ, નિયતિ, ઈશ્વરીય ઇચ્છા, વિધિના વિધાન જેવા બંધનો સાથે બંધાયેલા ઘટનાક્રમોની શ્રેણીમાં વર્તમાન કાળ ભારત સહિત સમગ્ર વિશ્વ ‘કોરોના’ (CORONA)ના પ્રાણઘાતક ચેપનો સામનો કરી રહ્યું છે. માનવ જાતિને હચમચાવી નાખનાર આર સંક્રમણ કાળમાં ‘ભવ્ય ભારત ન્યૂઝ’નો ‘નિષ્ક્રમણ’ ઉદય થઈ રહ્યો છે. બીબીએનનો ઉદ્દેશ આજે પણ એ જ છે કે જે તેની અવધારણા સમયે હતો, પરંતુ વર્તમાન વિપત્તિકાળ તથા વિપરીત પરિસ્થિઓમાં ‘ભવ્ય ભારત ન્યૂઝ’ મહાન ભારતનની મહાન સંસ્કૃતિના માધ્યમથી ‘સંક્રમણ કાળ’ને ‘નિષ્ક્રમણ કાળ’માં પરિવર્તિત કરવાના દેશવાસીઓના મહાયજ્ઞનો પણ પોતાના ઉદ્દેશમાં સમાવેશ કરી રાષ્ટ્ર તથા વિશ્વની સેવાના સંકલ્પ સાથે પ્રારંભ થયું છે.
પોતના નામને અનુરૂપ ‘ભવ્ય ભારત ન્યૂઝ’ના બે મુખ્ય સ્તંભ કે પાયા હશે : રાષ્ટ્ર તથા ધર્મ. બીબીએન માટે રાષ્ટ્ર સર્વોપરિ હશે, રાષ્ટ્ર જ ધર્મ હશે. બીબીએન આ ‘રાષ્ટ્ર – ધર્મ’ના સુદૃઢ પાયા પર ભવ્ય ભારતનાં નિર્માણની સંકલ્પના સાથે લોકશાહીના ચોથા સ્તંભમાં એક નવજાત શિશુની જેમ પ્રવેશ કરી રહ્યું છે. બીબીએન પોતાના વાંચકો સમક્ષ ભારતની ભવ્યતાને ત્રણ કાળોના આધારે રજૂ કરશે. આપણાં દેશના કહેવાત ઇતિહાસવિદો તથા વિશ્વના મોટા-મોટા વૈજ્ઞાનિકો ભલે ભારતના ભૂત, વર્તમાન તથા ભવિષ્યને એક મર્યાદિત કાળ ખંડના અરીસથી જોતા હોય, પરંતુ ‘ભવ્ય ભારત ન્યૂઝ’ પોતાના વાંચકોને ભારતનું ‘ઇતિહાસ દર્શન’ અનાદિકાળથી ચાલી આવતી સૃષ્ટિના ઉત્પત્તિ કાળથી કરાવશે. આ ‘ઇતિહાસ દર્શન’ માત્ર ભારત પર મોઘલો તથા અંગ્રેજોના આક્રમણો તથા આતંક સુધીની દુર્દાંત તથા હતાશ કરનારી કથા-વાર્તાઓ પર જ નિર્ભર નહીં હોય, પણ આ ‘ઇતિહાસ દર્શન’ દરેક ભારતવાસીને ગૌરવથી પરિપૂર્ણ કરી દેનાર તેના વૈભવશાળી પ્રાચીન ઇતિહાસ, સત્ય-સનાતન ધર્મ તથા વૈદિકકાલીન ઘટનાઓ તેમજ મહાપુરુષોનો મહિમાગાન કરશે. તેવી જ રીતે બીબીએન ભારતના વર્તમાનનું વિશ્લેષણ પણ એ રીતે કરવાનો પ્રયત્ન કરશે કે જેથી દરેક નાગરિકના મનમાં ભવિષ્યના એક સુદૃઢ, વિશ્વ ગુરુ, વિશ્વ મહાસત્તા બનવાની ક્ષમતા ધરાવતા ભારતની સંકલ્પના જાગૃત થાય
Read in Hindi: आरंभ हुआ ‘राष्ट्र – धर्म सर्वोपरि’ महाभियान, जो करेगा ‘माँ भारती’ का महिमागान