Monday, June 23, 2025
HomeGUJARAT GROUNDAHMEDABADગુજરાત પોલીસની પ્રશંસનીય પહેલ : મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે દરેક...

ગુજરાત પોલીસની પ્રશંસનીય પહેલ : મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’

Share:

‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે કે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે

‘સાંત્વના કેન્દ્ર’માં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફૅર પોલીસ ઑફિસર, 181-અભયમ્ અને પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેંટર જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે

ગાંધીનગર, 16 જાન્યુઆરી, 2025 : ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકો; ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો (સીનિયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે એક નવી પહેલ કરી છે. આ પહેલ હેઠળ રાજ્યના પોલીસ વડા (ડીજીપી) વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે કે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉંસેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફૅરર પોલીસ ઑફિસર, 181-અભયમ્ અને પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેંટર (પીએસબીએસએસ) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.

“સાંત્વના કેન્દ્ર”માં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઑફિસર, 181-અભયમ્ અને પીએસબીએસએસ; આ ચારેય વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે. વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એક-બીજા સાથે સંકલનમાં રહીને કામગીરી કરે; તે હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં “સાંત્વના કેન્દ્ર” શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ સ્ટેશનોમાં નીચે મુજબની ચાર સેવાઓ એક જ છત નીચે “સાંત્વના કેન્દ્ર”માં ઉપલબ્ધ બનશે

•      વુમન હેલ્પ ડેસ્ક : વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા તેમજ કાઉન્સેલિંગ કરવાની કામગીરી કરતી હોય છે.

•      ચાઇલ્ડ વેલફૅર પોલીસ ઑફિસર : ચાઇલ્ડ વેલફૅર પોલીસ ઑફિસર પોલીસ સ્ટેશનમાં આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું કાઉંસેલિંગ કરતા હોય છે.

•      ૧૮૧-અભયમ્ : ‘૧૮૧-અભયમ્’ની વ્યવસ્થાના માધ્યમથી મહિલાઓની સલામતી અને સુરક્ષા અંગેની કામગીરી થાય છે.

•      પીએસબીએસએસ (પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેંટર) : પીએસબીએસએસ પીડિત મહિલા તથા સામાવાળા પક્ષના સભ્યોનું કાઉંસેલિંગ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે.

‘સાંત્વના કેન્દ્ર’ના મુખ્ય ઉદ્દેશ્યો :

•      પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને સીનિયર સિટીઝનને યોગ્ય રીતે, સંવેદનશીલતા અને સહાનુભુતિ સાથે સાંભળવા.

•      તેઓની મુશ્કેલીઓને સાંભળી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપવું.

•      જ્યાં જરૂર જણાય, ત્યાં યોગ્ય કાઉંસેલિંગ કરવું.

•      પોલીસ સ્ટેશનોમાં જ્યારે બાળકો, મહિલાઓ અને સિનીયર સિટીઝનો આવે, ત્યારે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને જે કામ માટે તેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા હોય, તે કામ ત્વરિત રીતે પુર્ણ થાય; તે અંગે કાર્યવાહી કરવી.

આ સાંત્વના કેન્દ્રની કામગીરી પર પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પોલીસ ઇંસ્પેકટર/પોલીસ સબ ઇંસ્પેકટર અંગત ધ્યાન આપી સુચવવામાં આવેલી કામગીરી તેઓ યોગ્ય રીતે કરે; તે સુનિશ્ચિત કરવા રાજ્ય પોલીસ વડાએ સુચનાઓ આપી છે. તે ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રને સોંપવામાં આવેલી જવાબદારીઓ અંગે યોગ્ય રીતે કાર્યવાહી થઈ રહી છે કે કેમ; તે બાબતે સંબંધિત સબ-ડિવીઝનલ પોલીસ ઑફિસર (SDPO) / આસિસ્ટંટ પોલીસ કમિશનર (ACP)એ સુપરવિઝન રાખવા પણ સુચના આપવામાં આવી છે. તેવી જ રીતે કમિશ્નરેટ વિસ્તારમાં જે-તે ઝોન વિસ્તારના નાયબ પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકે તેમના કાર્યક્ષેત્રમાં આ કામગીરી ઉપર યોગ્ય સુપરવિઝન અને મૉનિટરિંગ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કેન્દ્રો શરૂ કરવાથી પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે અને ગુજરાત પોલીસ બાળકો, મહિલાઓ અને સીનિયર સિટીઝનોની સેવામાં પોતાનું વિશેષ યોગદાન આપી શકશે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches