દુર્ગાવતી કે લક્ષ્મીબાઈ કરતા ઓછો નહોતો કસ્તૂરબાનું રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ
અમદાવાદ, 11 એપ્રિલ : ‘આ વેચીને આપ ભણવા જતાં રહો.’ પત્ની કસ્તૂરબાના આ વાક્યે મોહનની નિરાશા ખંખેરી નાંખી અને તેઓ વિદેશ રવાના થઈ ગયાં. કસ્તૂરબાએ જો પોતાના દાગીનાઓનો પટારો પતિ મોહનને આપ્યો ન હોત, તો કદાચ મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી બૅરિસ્ટર ન બની શક્યાં હોત.
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના અર્ધાંગિની તરીકે કસ્તૂરબાનો ફાળો, ત્યાગ અને બલિદાન કોઇક વીરાંગના કરતાં જરાય ઓછાં નથી. ભલે તેમણે દુર્ગાવતી કે લક્ષ્મીબાઈની જેમ તલવાર નહોતી ચલાવી, પરંતુ પતિ સાથે સમગ્ર જીવન રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત કરવું પોતાની રીતે નારીના ત્યાગ અને શક્તિનો અદ્ભુત દાખલો છે. મહાત્મા ગાંધી મૅટ્રિક પાસ કર્યા બાદ વિદેશ જઈ બૅરિસ્ટરનો અભ્યાસ કરવા માંગતાં હતાં, પરંતુ વિદેશ જવાનો ખર્ચો ક્યાંથી ઉપાડત? તેમણે પોતાના પિતાના નાના ભાઈ એટલે કે કાકા તુલસીદાસ પાસે સહાય માંગી, પરંતુ તુલસીદાસે સહાય કરવાનો ઇનકાર કર્યો. મહાત્મા ગાંધી ઇચ્છતા હતાં કે તુલસીદાસ કંઈ નહીં તો તેમને પોરબંદર રાજ્ય પાસેથી છાત્રવૃત્તિ પણ અપાવી દે, પરંતુ તેવું પણ ન થઈ શક્યું. આખરે મહાત્મા ગાંધી નિરાશ થઈ ગયાં. બીજી બાજુ કસ્તૂરબાઈને જાણ થતાં તેમણે પોતાના દાગીનાઓનો પટારો ગાંધીજી સામે ખોલી નાંખ્યો. દાગીના વેચાઈ ગયાં અને ત્રણ હજાર રુપિયા મળ્યાં. મિત્રો અને પરિજનો પાસેથી વધુ બે હજાર રુપિયા એકઠાં કર્યા અને ગાંધીજી વિદેશ જવા રવાના થઈ ગયાં. વિદેશથી તેઓ પછી બૅરિસ્ટર બની પરત ફર્યાં.
છઠા વર્ષે સગપણ, ચૌદમા વર્ષે
લગ્ન ત્યાગ અને બલિદાનના પ્રતિમૂર્તિ કસ્તૂરબા ગાંધીની આજે 156મી જન્મ જયંતી છે. 11મી એપ્રિલ, 1869ના રોજ પોરબંદર ખાતે એક શિસ્તબદ્ધ પરિવારમાં જન્મેલા કસ્તૂરબા કાપડિયાએ પિતા ગોકુળદાસ મકનજી તથા માતા વ્રજકુમાર પાસેથી બાળપણથી જ સંસ્કાર, ધર્મ, દૃઢ સંકલ્પ બળ, સંયમ, સહનશીલતા, વિવેકશક્તિ અને કર્મનિષ્ઠા જેવા ગુણો હાસલ કર્યા હતાં. જ્યારે કસ્તૂરબા છ વરસના હતાં, ત્યારે જ પોરબંદર શહેરના પ્રસિદ્ધ દીવાન કરમચંદ ગાંધીના પુત્ર મોહનદાસ સાથે તેમના સગપણ કરી દેવાયા હતાં. 14 વર્ષની વયે 1883માં તેમના લગ્ન થઈ ગયાં. મહાત્મા ગાંધી સાથેના લગ્નજીવન દરમિયાન કસ્તૂરબાએ ધીમે-ધીમે પોતાના આકાંક્ષાઓ, અભિલાષાઓ અને જરૂરિયાતોનો ત્યાગ કર્યો અને ગાંધીજીના સિદ્ધાંતો તેમજ આદર્શો જીવનમાં આત્મસાત કર્યાં. ગાંધીજીની બ્રહ્મચર્ય પાળવાના પ્રયોગો પ્રત્યે સખતાઈને પણ કસ્તૂરબાએ વિના વિરોધે સહન કર્યાં. ગાંધીજીના મત મુજબ બ્રહ્મચર્ય પાળવામાં કસ્તૂરબા ક્યારેય વિઘ્નકર્તા નહોતાં બન્યાં.
બાપુએ બાને કર્યા સાક્ષર
ગાંધીજીએ કર્યાં સાક્ષર કસ્તૂરબા નિરક્ષર જરૂર હતાં, પરંતુ તેમણે જીવનમાં ગાંધીજી, વિનોબાજી, મહાદેવભાઈ, કાકા કાલેલકર જેવા મહાનુભાવો પાસેથી ઘણું બધું શીખ્યુ હતું. તેથી તેઓ ગાંધીજીના કારાવાસ દરમિયાન જાહેર સભાઓમાં જોશીલું પ્રવચન આપી શકતા હતાં. ગાંધીજીએ પછી કસ્તૂરબાને અક્ષરજ્ઞાન સાથે ગુજરાતી ભાષા પણ શિખવાડી. કસ્તૂરબા દિવસમાં 16 કલાક પ્રવૃત્તિમય રહેતાં. પતિ પ્રત્યે પૂર્ણ પરાયણ કસ્તૂરબાએ 1933થી 1943 સુધીનો સમય સેવાશ્રમના તપોવન ખાતે વિતાવ્યો. 9મી ઑગસ્ટ, 1942ના રોજ ગાંધીજી તથા તેમના સાથીઓની ધરપકડ કરવામાં આવી. તે દિવસે કસ્તૂરબા શિવાજી પાર્કમાં જાહેરસભા સમ્બોધવા ગયાં હતાં કે જ્યાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી. પોલીસે કસ્તૂરબાને પુણેના આગાખાન મહેલ કારાવાસમાં નાંખી દીધાં.
જેલમાં દેહત્યાગ કરવાનો સૌભાગ્ય ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક વીરોએ
બલિદાનો આપ્યાં, પરંતુ જેલમાં રહી મૃત્યુ પામવાનો સૌભાગ્ય મહાદેવભાઈ દેસાઈ અને તેમના પછી કસ્તૂરબા ગાંધીને જ હાસલ થયો. 22મી ફેબ્રુઆરી, 1944ના રોજ મહાશિવરાત્રિના દિવસે પુણેના આગાખાન મહેલમાં કારાવાસ દરમિયાન કસ્તૂરબાએ પતિ મહાત્મા ગાંધીના ખોળે પોતાનો નશ્વર દેહ ત્યાગ્યો.