ગાંધીનગરમાં ગુજરાત મ્યુનિસિપલ કૉર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો પ્રારંભ
વિવિધ મ્યુનિસિપલ કૉર્પોરેશન્સની ટીમો વચ્ચે વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
ગાંધીનગર, 05 ફેબ્રુઆરી : ગુજરાતમાં વિવિધ જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતો તેમજ નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓની ચૂંટણી માટેની મોસમ ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની ચૂંટણી માટે આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજનાર છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે ગાંધીનગરમાં ક્રિકેટના મેદાને ઉતર્યાં. તેમણે બૅટિંગ કરતા બૅટ વડે વિવિધ શૉટ્સ ફટકાર્યાં.
પ્રસંગ હતો રાજ્યની મહાનગર પાલિકાઓની ક્રિકેટ ટીમો વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કૉર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભનો. પટેલે ટોસ ઉછાળીને આ ટૂર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો.
આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા પહેલી વાર કરવામાં આવ્યું છે. રાજ્યની ૬ મહાનગર પાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કૉર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ; એમ કુલ ૧૪ ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.

ગાંધીનગર સ્થિત આઈઆઈઈટીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર 5થી ૯ ફેબ્રુઆરી દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે. આ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બૉક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની ટીમ્સ સાથે પરિચય વિધિ કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેકટર મેહુલ દવે, મ્યુનિસિપલ કમિશનર વાઘેલા વગેરે ઉપસ્થિતિ રહ્યાં.
ટુર્નામેન્ટમાં સહભાગી અન્ય મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ-અધિકારીઓ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.