હ્રદય, લીવર અને બે કિડનીના દાનથી ચાર જરુરિયાતમંદોને નવજીવન
અમદાવાદ, 25 ફેબ્રુઆરી : અમદાવાદના અસારવા ખાતે આવેલ સિવિલ હૉસ્પિટલમાં અંગદાનનું સેવાયજ્ઞ છેલ્લા 48 કલાકથી અવિરત ચાલું છે. આ 48 કલાકની અંદર હૉસ્પિટલમાં સતત 2 અંગદાન થયા કે જેના થકી 7 જેટલા જરૂરિયામંદોને નવજીવન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં થયેલા 17૯મા અંગદાનની વિગતો જોઇએ, તો ખેડા જિલ્લાના નામવા ગામના વતની દક્ષાબેન ગોહિલ સાથે ગત 17 ફેબ્રુઆરીના રોજ ફૅક્ટરીમાં મજુરી કામે જતા ખેડા પાસે નવાગામ નગરી ખાતે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે પ્રથમ ખેડા સિવિલ હૉસ્પિટલ અને ત્યાર બાદ તે જ દિવસે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હૉસ્પિટલમાં આઈ.સી.યુ માં સઘન સારવાર દરમિયાન દક્ષાબેનને 24 ફેબ્રુઆરીના રોજ ડૉક્ટરોએ બ્રેનડેડ જાહેર કર્યા હતા.

સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોની ટીમે દક્ષાબેન ગોહિલના પરિવારજનોને તેમની બ્રેન ડેડ અવસ્થા વિશે સમજાવ્યા. 10 વર્ષની દીકરી અને 7 વર્ષના દીકરા; એમ બે બાળકોના માતા એવા દક્ષાબેનની અચાનક આવી પડેલી આવી વિકટ પરીસ્થીતિમાં પણ તેમના પતિ સુરેશભાઈ ગોહેલે પોતાની લાગણીઓ અને દુ:ખને ભૂલીને અન્ય કોઈ ભુલકાઓના માથેથી તેમની માતા કે પિતાની છત્રછાયા ન જાય; તે લાગણી સાથે પત્નીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ અંગદાન થકી સિવિલ હૉસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 583 અંગોનું દાન મળેલ છે. તેના થકી 565 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
દાનમાં મળેલ બે કિડની અને એક લીવરને સિવીલ મેડિસિટી કેમ્પસની કિડની હૉસ્પિટલમાં અને હ્રદયને યુ. એન. મેહતા હૉસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં 324 કિડની, 156 લીવર, 55 હ્રદય,30 ફેફસા , 10 સ્વાદુપિંડ, બે નાના આંતરડા, 6 હાથ,પાંચ સ્કીન અને 120 આંખોનું દાન મળ્યું છે.