ગિફ્ટ ફિનટેક અને ઇનોવેશન હબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના IT-India Tomorrowના વિઝનને સાકાર કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર, 17 જાન્યુઆરી : ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ્સ માટે એક નવી દ્રષ્ટિ સાથે શુક્રવારે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ (GIFTS-IFI) અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબ (GIFTS-IFIH) શરૂ કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બંનેનું ઉદ્ઘાટન કર્યું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે ગુજરાતમાં સ્પેશલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભું કરવાની નેમ સાથે આ ઇનીશિએટિવ્સ કરવામાં આવ્યાં છે. એક દાયકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે ફિનટેક ક્રાંતિનો અનુભવ કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ ક્રાંતિના પરિણામે દેશમાં મોટાભાગે ફાઇનાન્શિયલ પ્રવૃત્તિઓ ડિજિટલાઇઝ્ડ થઈ ગઈ છે. એટલું જ નહીં; સસ્તા ડેટા, મજબૂત બૅંકિંગ સેવાઓ અને અનોખા ઇનોવેશનથી ભારત ફિનટેક ક્ષેત્રમાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે.
ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતની ગિફ્ટ સિટી ભારતને વૈશ્વિક ફિનટેક હબ બનાવવાના વડાપ્રધાનના વિઝનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દેશનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) અને બુલિયન એક્સચેન્જ અહીં કાર્યરત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ રહેલ આ ફિનટેક ઇનોવેશન હબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના IT-India Tomorrowના વિઝનને સાકાર કરશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આ વિઝનને સાકાર કરવાની સાથો-સાથ આ ફિનટેક ઇનોવેશન હબ હજારો યુવા ઉદ્યોગ સાહસિકોને નવી તકો અને યુવા પ્રોફેશનલ્સને નવી રોજગારીની તકો પૂરી પાડશે.
મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે આ યુવા પ્રોફેશનલ્સના કૌશલ અને ઇનોવેશનથી ગુજરાત 2029 સુધી વૈશ્વિક ફિનટેક ક્રાંતિમાં અગ્રણી રાજ્ય બનશે.
ગિફ્ટ સિટીના ચૅરમેન હસમુખ અઢિયાએ આ પ્રસંગે જણાવ્યું કે ફિનટેક ક્ષેત્રમાં ટૂંકાગાળાની તાલીમ અને ઉદ્યોગ સાહસિકોને યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાતમાં આવા ઇનોવેશન હબની જરૂર હતી. તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીએ યુવા પ્રોફેશનલ્સને તેમનું કૌશલ દર્શાવવાનું મંચ આપવા માટે આ ઇનોવેશન હબ કાર્યરત કર્યું છે. એટલું જ નહીં; આ માટે ગિફ્ટ સિટીના ટાવર-2માં 1800 ચોરસ ફૂટ ‘રેડી ટુ યુઝ’ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે અને સ્ટાર્ટઅપ્સ માટે મેન્ટરિંગ સવલતો પણ આપવામાં આવશે.
તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીએ રાજ્ય સરકારના સહકારથી ખૂબ જ ઓછા સમયમાં આ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબ કાર્યરત કર્યા છે. આ માટે તેમણે ગિફ્ટ સિટીના તમામ કર્મચારીઓની પ્રશંસા કરી.
ગિફ્ટ સિટીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તપન રેએ સ્વાગત સંબોધનમાં ઇનોવેશન હબના ઉદ્દેશ્યો વિશે માહિતી આપી. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે પણ આ પ્રસંગે સંબોધન કર્યું.
આ ઇનીશિએટિવ્સના પાર્ટનર પ્લેટફૉર્મ ‘પ્લગ એન્ડ પ્લે’ના સહ-સંસ્થાપક જોજો ફ્લૉરેસ, શૈક્ષણિક ભાગીદાર અહમદાબાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પંકજ ચંદ્રા, IIT-ગાંધીનગરના ડિરેક્ટર રજત મુના અને યુનિવર્સિટી ઓફ કૅલિફોર્નિયાના સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ, ઇન્ફોર્મેશન એન્ડ ડેટા સાયન્સના વચગાળાનાં ડીન રાજેશ ગુપ્તા તથા ADBના ડેપ્યુટી કન્ટ્રી ડિરેક્ટર આરતી મહેરા વગેરેએ પણ સંબોધન કર્યું.
આ ઉદ્ઘાટન સત્રમાં ફિનટેક ક્ષેત્રના અગ્રણી લોકો, યુવા ઉદ્યોગ સાહસિકો, વિદ્યાર્થીઓ અને આમંત્રિતો સહભાગી થયાં.
Read in Hindi : गिफ्ट सिटी में स्टार्टअप्स के लिए शुरू हुए गिफ्ट इंटरनेशनल फिनटेक इंस्टीट्यूट तथा इनोवेशन हब