નડાબેટ BOPની મુલાકાત લઈને ઓપરેશન સિંદૂરની સફળતા માટે જવાનોને અભિનંદન પાઠવ્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ BSF બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈને સરહદના સંત્રીઓના સાહસ-શૌર્યને બિરદાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાં BSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે BSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરીઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી. શ્રી અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાં BSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીને BSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.
આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.