Saturday, November 22, 2025
HomeMAIN NEWSGUJARAT GROUNDગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન પર 26 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી જામશે ‘સાપુતારા...

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન પર 26 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી જામશે ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો રંગ

Share:

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ: ડાંગ આવતા પ્રવાસીઓની સંખ્યામાં થયો અભૂતપૂર્વ વધારો, 2024માં 26.91 લાખ લોકો આવ્યા

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલ સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ આજે દેશ વિદેશના પ્રવાસીઓમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર

• સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025માં ગુજરાતના ડાંગી, મણિયારોથી માંડીને 12 રાજ્યોના પરંપરાગત નૃત્યો માણવાની મળશે તક
• પ્રથમ વખત ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડમાં 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
• સ્થાનિક સમુદાયો અને વ્યવસાયોની આર્થિક ઉન્નતિનું માધ્યમ બન્યો સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ

ગાંધીનગર, 25 જુલાઈ: ગુજરાત ઉત્સવપ્રિય રાજ્ય છે, જે દરેક ઉત્સવ સાથે તેની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઉજવણી કરે છે. રાજ્યના ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે અને આ રમણીય હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળે છે. એમાં પણ દર વર્ષે યોજાતા સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ હોય છે. આ ઉત્સવને કારણે સાપુતારામાં પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે. આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 26 જુલાઈ 2025થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેના વિવિધ આકર્ષણોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી સાપુતારા ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ ફેસ્ટિવલ દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ બન્યો સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ડાંગમાં પર્યટન, વિકાસ અને રોજગારીને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) દ્વારા આયોજિત સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025નો 26 જુલાઈએ રંગેચંગે પ્રારંભ થશે અને સાપુતારા વિવિધ સાંસ્કૃતિક અને પ્રાદેશિક પ્રવૃત્તિઓ દ્વારા જીવંત બની જશે. આ ફેસ્ટિવલ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ બન્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા અને મહોત્સવને નિહાળવા માટે ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સહેલાણીઓ ઉમટી પડે છે.

ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડમાં 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે

અખૂટ કુદરતી સૌંદર્ય ધરાવતા ગિરિમથક સાપુતારામાં આયોજિત મોનસૂન ફેસ્ટિવલની ખાસિયત એ છે કે પ્રવાસીઓને ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિ, રીતિ રિવાજ, પરંપરાગત ભોજન, રહેણી કરણી, નૃત્ય કળાની ઝલક તો જોવા મળે છે, સાથે વિવિધ ભાતીગળ સંસ્કૃતિની પણ ઝાંખી થાય છે. સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025માં આ વર્ષે પ્રથમ વખત એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 13 રાજ્યો- ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઓડિશાના 350થી વધુ કલાકારો ભાગ લેશે. આ કલાકારો પરેડમાં પરંપરાગત પ્રોપ્સ સાથે જીવંત લોક પરંપરાઓ રજૂ કરશે. તો આ વર્ષે રેઈન ડાન્સ અને નેચર વૉક જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે.

પ્રવાસીઓને વિવિધ શાસ્ત્રીય કળા અને લોક પરંપરાઓને નિહાળવાની મળશે તક

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં આયોજિત “ગ્રાન્ડ ક્લાસિકલ અને લોક પ્રદર્શન”માં 13 રાજ્યો- ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, મણિપુર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આસામના 80થી વધુ કલાકારો તેમની શાસ્ત્રીય અને લોક પરંપરાઓ દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક રંગો રજૂ કરશે. મોનસૂન ફેસ્ટિવલના અન્ય મુખ્ય આકર્ષણોમાં ગીતાબેન રબારી, પાર્થ ઓઝા અને રાગ મહેતા જેવા પ્રખ્યાત ગુજરાતી કલાકારો ઉપરાંત કેરળનું પ્રખ્યાત થેકકિનકાડુ અટ્ટમ મ્યુઝિકલ બૅન્ડ પણ ખાસ પર્ફોર્મન્સ રજૂ કરશે.

એટલું જ નહીં, પ્રવાસીઓને સમગ્ર સાપુતારામાં ટેબ્લો શૉ જોવા મળશે, તો સન્ડે સાઇક્લોથોન, દહીં હાંડી સ્પર્ધા સાથે જન્માષ્ટમીની ઉજવણી અને સ્વતંત્રતા દિવસે આયોજિત મિનિ મૅરથોન વગેરે કાર્યક્રમો સાંસ્કૃતિક અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરશે.

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલથી સ્થાનિક સમુદાયો અને વ્યવસાયોને થયો આર્થિક લાભ

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓના આગમનના પરિણામે ડાંગ અને તેના આસપાસના વિસ્તારોમાં રોજગારીની સાથે આવકના સ્ત્રોત વધ્યા છે જેથી જીવન સ્તરમાં સુધારો થયો છે. સાપુતારા આવતા પ્રવાસીઓ ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ રોજગારી મળી રહે તે હેતુથી સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય છે. આ વખતે ફેસ્ટિવલ અંતર્ગત સાપુતારા મેઈન સર્કલ, ગવર્નર હિલ અને સાપુતારા લેક બોટ ક્લબ ખાતે સ્થાનિક કલાકારો દ્વારા દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તો મેઈન ડોમ ઇવેન્ટ્સ એરિયામાં ટ્રાઇબલ ફૂડ ફેસ્ટિવલ, ટ્રાઇબલ ટેટૂ વર્કશોપ, ટ્રાઇબલ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટોલ, વરલી પેઇન્ટિંગ વર્કશોપ, લોક સંગીત, મૅજિક શૉ વગેરે પ્રવૃત્તિઓ પ્રવાસીઓનો અનુભવ યાદગાર બનાવશે.

ડાંગ આવતા પ્રવાસીઓની સંખ્યામાં થયો અભૂતપૂર્વ વધારો

સાપુતારાનું આહલાદક વાતાવરણ અને કુદરતી સૌંદર્ય હંમેશથી પ્રવાસીઓની પ્રથમ પસંદ રહ્યું છે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા આયોજિત મોનસૂન ફેસ્ટિવલની ફળશ્રુતિરૂપે ડાંગ આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. 2022માં સાપુતારા આવનારા લોકોની સંખ્યા 8.16 લાખ હતી, જે 2023 અને 2024માં અનુક્રમે 11.13 લાખ અને 11.67 લાખ નોંધાઈ હતી. ડાંગ જિલ્લામાં આવનારા પ્રવાસીઓની વાત કરીએ, તો 2022માં 10.40 લાખ, 2023માં 22.40 લાખ અને 2024માં 26.91 લાખ જેટલા લોકોએ જિલ્લાની મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારે માળખાગત વિકાસ, વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમોના આયોજન અને આદિજાતિ વિકાસ માટેની યોજનાઓના અમલીકરણ દ્વારા ડાંગ જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે પ્રવાસન નકશા પર સ્થાન અપાવ્યું છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches