મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
મુખ્યમંત્રીશ્રી:-
- વડાપ્રધાનશ્રીએ આવનારી પેઢીની ચિંતા કરીને “કેચ ધ રેઈન” અને “એક પેડ માઁ કે નામ” રાષ્ટ્ર વ્યાપી અભિયાન ચલાવ્યું છે.
- ‘પહેલું સુખ તે જાતે નર્યા’ યોગથી લઈને આયુષ્યમાન સુધીની આરોગ્ય સેવા સરકારે આપી છે.
- દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ સહિત છેવાડાના વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ
- ગુજરાતમાં સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપનથી ગુણવત્તાયુક્ત અને આયોજનબધ્ધ કામો થયા છે.
- એક સમયનો સૂકો રણ પ્રદેશ આજે ટુરીઝમનું કેન્દ્ર બન્યું: છેવાડાના રણ કાંઠે સરકારે પાણી પહોંચાડીને ખેડૂતોની સુખાકારી માટે કામ કર્યું:- વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
- સરહદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સીમાવર્તી સુઈગામ – નડાબેટ ખાતેથી રૂ. ૩૫૮.૩૭ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરીને બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ આપી હતી.

સરહદી વિસ્તારના વિકાસની નવતર રાહ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુર્હુત તથા ૫૫.૬૮ કરોડના વિકાસ કાર્યો પ્રારંભ કરાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવાનું કામ કર્યું છે. આજે દેશની સાથે ગુજરાતે પણ સર્વાંગી વિકાસ સાધ્યો છે. રાજ્ય સરકારે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ઘર આંગણે વિવિધ યોજનાકીય લાભો આપ્યા છે. આજે ધંધા – રોજગાર, રોડ- રસ્તા, વીજળી, પાણી, ઉદ્યોગો થકી છેવાડાના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવી શકાયું છે તથા નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ આવનારી પેઢીની ચિંતા કરીને “કેચ ધ રેઈન” અને “એક પેડ માઁ કે નામ” રાષ્ટ્ર વ્યાપી અભિયાન ચલાવીને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો બતાવ્યો છે.
‘પહેલું સુખ તે જાતે નર્યા’ માટે યોગા થી લઈને આયુષ્યમાન કાર્ડ સુધીની આરોગ્ય સેવા સરકારે આપી છે. ગુજરાતમા નાગરિકોને ૧૦ લાખ સુધીની મફત તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકારે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ઉભી કરી છે અને વર્ષે ૭૦૦૦ કરતા પણ વધારે ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ દરેક જિલ્લાને ૭૫ અમૃત સરોવર બનાવવા આહવાન કર્યું હતું. આજે દરેક જિલ્લામાં ૭૫ કરતા પણ વધારે અમૃત સરોવરો બન્યા છે. કેચ ધ રેઈન અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે બનાસકાંઠામાં ૫૦ હજાર રિચાર્જ કુવા બનાવવા માટે શરૂઆત કરાવી હતી, બનાસ ડેરીના સહયોગ સાથે આજે ૩૦ હજાર જેટલા રિચાર્જ કુવા બનતા મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં સુદ્રઢ નાણાં વ્યવસ્થાપનથી ગુણવત્તાયુક્ત અને આયોજનબધ્ધ કામ થઈ શક્યા છે.
આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જેવા સરહદી જિલ્લામાં અનેક વિકાસની ભેટ આપી છે. એક સમયનો સૂકો રણ પ્રદેશ આજે ટુરીઝમનું કેન્દ્ર બન્યું છે. છેવાડાના રણ કાંઠે સરકારે પાણી પહોંચાડીને ખેડૂતોની સુખાકારી માટે કામ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં નવીન વાવ-થરાદ જિલ્લાને મંજૂરી મળી છે. સરકારે દરેક તાલુકામાં જી.આઈ.ડી.સી.ની ભેટ આપી છે જેના થકી સ્થાનિક રોજગારીમાં પણ વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, સરકારે ડીસા – દિયોદર – લાખણી – કાંકરેજ સહિતના તાલુકાઓમાં પાઇપલાઇન તથા કેનાલ મારફત તળાવમાં પાણી પહોંચાડ્યું છે. રાજ્ય સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ સહિતની યોજનાઓ મારફતે શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાનું કલંક દૂર થયું છે. આજે ગર્વ સાથે કહી શકાય છે કે, ચાલુ વર્ષે ધોરણ ૧૨ અને ૧૦ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લા પ્રભારી તથા ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, સરકારશ્રીની અનેક યોજનાઓ થકી ગુજરાત આજે દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે. લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે. બજેટમાં પણ અનેકગણો વધારો કરાયો છે. સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં બનાસકાંઠા જિલ્લાને ૭૨૦૦ કરોડ કરતા પણ વધારે રકમ ફાળવી છે. બનાસ ડેરીના માધ્યમથી સહકાર ક્ષેત્રે પણ રોજગારીની તકો વધી છે.
આ પ્રસંગે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ૫૧ શક્તિપીઠની માટી થકી તૈયાર કરેલ રેપ્લિકા અને શ્રી યંત્ર ભેટ કર્યું હતું. નવરચિત વાવ – થરાદ જિલ્લાની ભેટ બદલ નાગરિકોએ મુખ્યમંત્રીશ્રીનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. વાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી સવરૂપજી ઠાકોરે શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં સર્વે ધારાસભ્યશ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા અગ્રણી શ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી કનુભાઈ વ્યાસ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ,પદાધિકારીઓ, બી.એસ.એફના જવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.