અદાણી નામ ખુદ એક ગેરંટી છે, કંપનીની વૃદ્ધિને વધુ પ્રોત્સાહન મળશે
અદાણી જૂથ પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ અડીખમ છે. બુધવારે ૨૨ જુલાઈ સુધી ખુલ્લો મુકાયેલો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) ઇશ્યૂ માત્ર ત્રણ કલાકમાં જ છલોછલ ભરાઈ ગયો હતો. જે રોકાણકારોનો અદાણી જૂથ પરનો મજબૂત વિશ્વાસ દર્શાવે છે. રૂ. 1000 કરોડના બોન્ડે ૧,૪૦૦ કરોડથી વધુની બિડ્સ પ્રાપ્ત કરી હતી. જે ઇશ્યૂની સફળતાની નવી ઊંચાઈઓ બતાવે છે. રોકાણકારોની અતિશય માંગને કારણે આ ઈશ્યુ સમય પૂર્વે બંધ થવાની શક્યતા છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના રૂ. ૧,૦૦૦ કરોડના બોન્ડ ઇશ્યૂ પર રોકાણકારોનો અપાર વિશ્વાસ બુધવારે બરાબર દેખાયો. અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લીમીટેડે ૯.૩ ટકા સુધીનો વાર્ષિક વ્યાજ દર આપવાની ખાતરી આપી છે. જેને રિટેલ રોકાણકારો, હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (HNI) અને કોર્પોરેટ્સે ઉત્સાહથી વધાવી લીધી હતી. આ ઇશ્યૂમાં ભાગ લેનારા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ સેગમેન્ટથી હતા, જે અદાણી બ્રાન્ડ પર લોકોના વિશ્વાસને વધુ મજબૂત કરે છે.
એક અનુભવી રોકાણકારે જણાવ્યું હતું કે “આ ઇશ્યૂની વિશેષતા એ છે કે તેની સફળતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ સેગમેન્ટના મજબૂત સહભાગથી આવી છે. અદાણી નામ જાહેર જનતાના વિશ્વાસ સાથે હંમેશા જોડાયેલુ રહ્યું છે. રિટેલ HNI અને કોર્પોરેટ રોકાણકારોનો ઉત્સાહી પ્રતિસાદ કંપનીની ક્રેડિટ પ્રોફાઇલ અને ભવિષ્યની યોજનાઓ પર વિશ્વાસને પુનઃ પુષ્ટ કરે છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં રૂ. ૮૦૦ કરોડના પ્રથમ NCD ઇશ્યૂની ૯૦ ટકા ગ્રાહ્યતા પ્રથમ દિવસે જ મળી ગઈ હતી. આજે પણ તેણે રોકાણકારોનો વિશ્વાસ અકબંધ જાળવી રાખ્યો છે. વર્તમાન ઇશ્યૂનું પાયાનું કદ રૂ.૫૦૦ કરોડ છે, જેમાં ઓવર-સબ્સ્ક્રિપ્શન માટે રૂ.૫૦૦ કરોડ સુધીની વધારાની સંભાવના (ગ્રીનશૂ ઓપ્શન) સાથે રૂ. ૧,૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. રૂ. ૧,૦૦૦ની ફેસ વેલ્યૂવાળા આ NCDમાં ઓછામાં ઓછું ૧૦ NCD (રૂ. ૧૦,૦૦૦)નું રોકાણ કરી શકાય છે.
કંપનીએ ૬ જુલાઈના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇશ્યૂથી મળતી રકમના ઓછામાં ઓછું ૭૫ ટકા ઋણના પૂર્વ ચુકવણી અથવા રીપેમેન્ટમાં લાગશે, જ્યારે બાકીના ૨૫ ટકા સુધીનો ભાગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે. રિટેલથી લઈને કોર્પોરેટ સુધીના રોકાણકારોની ભાગીદારીએ દર્શાવ્યું કે અદાણી નામ ખુદ એક ગેરંટી છે, અને આ વિશ્વાસ ભવિષ્યમાં પણ કંપનીની વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.