Saturday, July 19, 2025
HomeMAIN NEWSGUJARAT GROUNDઅભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન છેલ્લા ૧૦ વર્ષોથી ગુજરાતની મહિલાઓ માટે સુરક્ષા, આશ્રય...

અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન છેલ્લા ૧૦ વર્ષોથી ગુજરાતની મહિલાઓ માટે સુરક્ષા, આશ્રય અને સશક્તિકરણનું પ્રતીક

Share:

અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ છેલ્લા ૧૦ વર્ષોમાં ૧૬,૫૮,૮૯૨ મહિલાઓએ મેળવી મદદ, ૨.૦૯ લાખ મહિલાઓને સ્થળ પર જ સમસ્યાનું સમાધાન
*
મહિલા સલામતી માટે સતત ખડેપગે છે ૫૯ રેસ્ક્યુ વાન
*
૨.૭૩ લાખથી વધુ મહિલાઓએ ડાઉનલોડ કરી અભયમ ૧૮૧ મોબાઈલ એપ્લિકેશન

ગાંધીનગર, ૧૮ જુલાઈ, ૨૦૨૫: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા માટે હંમેશા તત્પર રહી છે. આ દિશામાં રાજ્ય સરકારનું એક ક્રાંતિકારી પગલું છે, અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન. છેલ્લા ૧૦ વર્ષોમાં રાજ્યની ૧૬,૫૮,૮૯૨ મહિલાઓએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને મુશ્કેલ સમયમાં મદદ મેળવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓ તેમજ બાળકીઓ સહિત દરેક વયજૂથની મહિલાઓને સંકટ સમયે સહાય કરવાના હેતુથી માર્ચ, ૨૦૧૫માં અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની શરૂઆત કરી હતી. ઘરેલુ હિંસા, શારીરિક-માનસિક અત્યાચાર, છેડતી સહિતના મહિલા વિરોધી ગુનાઓ સામે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન મહિલાઓ સાથે અડીખમ બનીને ઊભી રહી છે.

અભયમ ૧૮૧ હેલ્પલાઇન હેઠળ મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે ૫૯ રેસ્ક્યુ વાન કાર્યરત

અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા રાજ્યની મહિલાઓને 24X7 નિઃશુલ્ક સેવા મળી રહી છે. રાજ્યની મહિલાઓ તેમની સમસ્યાઓનું ત્વરિત નિવારણ મેળવી શકે તે હેતુથી કુલ ૫૯ રેસ્ક્યુ વાન કાર્યરત છે. તેમાંથી સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં ૧૨ રેસ્ક્યુ વાન કાર્યરત છે. તાકીદની પરીસ્થિતિમાં અભયમ રેસ્ક્યુ વાન કાઉન્સિલર સાથે ઘટનાસ્થળ પર પહોંચીને મહિલાઓની સમસ્યાનું સમાધાન કરે છે. અત્યારસુધીમાં, રેસ્ક્યુ વાન દ્વારા ૩.૩૧ લાખ મહિલાઓને મદદ કરીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે, જ્યારે ૨.૦૯ લાખ કિસ્સાઓમાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. અભયમ ૧૮૧ હેલ્પલાઇન હેઠળ રેસ્ક્યુ વાન તથા કાઉન્સેલિંગ જેવી સેવાઓ અનેક મહિલાઓ માટે પારિવારિક અશાંતિ વચ્ચે સુખ-શાંતિનું સરનામું બની છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની આ સેવાનો રાજ્યની મહિલાઓ સરળ રીતે ઉપયોગ કરી શકે તે હેતુથી ૬ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ અભયમ ૧૮૧ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. રાજ્યની ૨.૭૩ લાખથી વધુ મહિલાઓએ પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૮૧ હેલ્પલાઇન હેઠળ ₹15 કરોડથી વધુની બજેટ જોગવાઈ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર મહિલા સલામતીને લઈને કેટલી ગંભીર છે, તે અભયમ ૧૮૧ હેલ્પલાઇન માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઈના આંકડાઓ પરથી સમજી શકાય છે. રાજ્ય સરકારે છેલ્લા ૩ વર્ષમાં અભયમ ૧૮૧ હેલ્પલાઇન માટે કુલ ₹૩૭ કરોડ ૭૮ લાખની ફાળવણી કરી છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૨-૨૩માં અભયમ હેલ્પલાઇન માટે ₹૧૦ કરોડ ૫૦ લાખ ફાળવ્યા હતા, ત્યારબાદ વર્ષ ૨૦૨૩-૨૪માં ₹૧૨ કરોડ ૫૦ લાખ અને વર્ષ ૨૦૨૪-૨૫માં ₹૧૪ કરોડ ૭૮ લાખની ફાળવણી કરવામાં આવી. સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ માટે અભયમ ૧૮૧ હેલ્પલાઇન માટે ₹૧૫ કરોડ ૦૨ લાખની બજેટ જોગવાઇ મંજૂર કરી છે. આ આંકડાઓ સૂચવે છે કે રાજ્ય સરકાર અભયમ ૧૮૧ હેલ્પલાઇન થકી મહિલા સુરક્ષાનું માળખુ સતત મજબૂત બનાવી રહી છે.

અભયમની તાલીમબદ્ધ ટીમો મહિલાઓની મદદ માટે તૈયાર

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, GVK EMRI (જીવીકે-ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના સહયોગથી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન માટે તાલીમબદ્ધ ટીમ તૈયાર કરવામાં આવી છે, કે જેમાં કોઈપણ મહિલા કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય, તો તે ગમે તે સમયે ગમે તે સ્થિતિમાં ૧૮૧ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને સહાય મેળવી શકે છે. આ હેલ્પલાઇનના માધ્યમથી મહિલાઓને તાત્કાલિક બચાવ, મદદ અને ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટુંકાગાળાનું કાઉન્સેલિંગ કરીને હકારાત્મક રીતે મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે. આ ઉપરાંત, જો કોઈ મહિલા ઘરેલુ અથવા અન્ય પ્રકારની હિંસાનો ભોગ બની રહી હોય, તો તેવી સ્થિતિમાં અભયમ ૧૮૧ હેલ્પલાઇનની રેસ્ક્યુ વાન એ મહિલાની મદદે પહોંચી જાય છે અને જરૂર જણાય તો સંબંધિત મહિલાનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરાવવામાં આવે છે.

અભયમ ૧૮૧ હેલ્પલાઇન હેઠળ મહિલાઓને મળે છે વિવિધ પ્રકારની મદદ

અભયમ ૧૮૧ હેલ્પલાઇન હેઠળ ઘરેલુ હિંસા, શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક સતામણી, સ્ત્રી ભ્રૂણહત્યા, સાયબર ગુનાઓ, લગ્ન સંબંધો કે અન્ય સંબંધોમાં તકરાર-ઝઘડો, અને આ ઉપરાંત સ્ટોકિંગ, વ્યસનમુક્તિ, બાળવિવાહ, ઘરવિહોણી મહિલાઓના મામલાઓ વગેરે જેવી અનેક મહિલાઓ સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે. આ હેલ્પલાઇન શરૂ થયેથી છેલ્લા ૧૦ વર્ષોમાં આ પ્રકારની વિવિધ સમસ્યાઓ માટે રાજ્યની અનેક મહિલાઓએ આ હેલ્પલાઇનની મદદથી ત્વરિત સમાધાન મેળવ્યું છે. આ ઉપરાંત, રાજ્યની કે બહારના રાજ્યોમાંથી ગુજરાત આવેલી કોઈપણ મહિલા હેલ્પલાઇન ઉપર ફોન કરીને સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ વિવિધ સરકારી માળખાઓની સેવાઓ જેમ કે મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, મફત કાનૂની સહાય, કુટુંબ સલાહ કેન્દ્ર, રક્ષણ અધિકારી અને ગુજરાત રાજ્ય મહિલા આયોગની સેવાઓની માહિતી મેળવી શકે છે.

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches