દેશી લૂક ધરાવતા પાત્રો સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ‘સ્કારફોલ’માં રિપ્રેઝન્ટ કરી: દરેક ગુજરાતીને પોતીકી લાગે એવી મલ્ટીપ્લેયર શુટિંગ ગેમ એપને મળ્યા ૩૫ મિલિયન ડાઉનલોડ
મોબાઈલમાં ગેમ રમવી એ આબાલવૃદ્ધ સૌને પ્રિય હોય છે. આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક કેન્ડી ક્રશ, પઝલ્સ, બેટલ ફિલ્ડ, કાર રેસ જેવી મોબાઈલ રમી જ હશે. કીપેડ મોબાઈલમાં સ્નેક એન્ડ લેડર ગેમ્સ રમવાનો આનંદ આપણે સૌએ અચૂક લીધો છે. ઈન્ટરનેટ અને ડિજીટલ વર્લ્ડના વધતા પ્રભાવ વચ્ચે ગેમિંગનો નાનકડો શોખ આજે વિશાળ ઈન્ડસ્ટ્રીઝમાં પરિવર્તિત થયો છે. આજે લાખો લોકોને રોજગારી આપતી ગેમિંગ ઈન્ડસ્ટ્રી એક ગતિશીલ, સતત વિકસતું ક્ષેત્ર અને મનોરંજન, ટેકનોલોજી અને સર્જનાત્મકતાનું સંમિશ્રણ બન્યું છે.
હવે આધુનિક વિશ્વની ક્લાઉડ ગેમિંગ, વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી (VR/AR) ગેમ્સનો યુગ પણ આવી ગયો છે. ડિજીટલ પ્લેટફોર્મ્સ પર જોવા મળતી મહત્તમ ગેમ્સ વિદેશી ટેક કંપનીઓ બનાવે છે, ત્યારે સુરતના યુવા ટેકસેવી ઉદ્યોગકાર
જેમિશ લખાણી વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની ‘સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ’ નામની સ્વદેશી ગેમિંગ એપ બનાવી વિદેશની જાયન્ટ ટેક કંપનીઓ સાથે હરિફાઈ કરી રહ્યા છે. એટલું જ નહીં, ‘સ્કારફોલ’માં દેશી લૂક સાથેના પાત્રોનું સર્જન કર્યું છે, જેમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને વણી લીધી છે. દરેક ગુજરાતીને પોતીકી લાગે એવી FPS અને TPS મલ્ટીપ્લેયર શુટિંગની ગેમ એપ બનાવીને ગ્રામીણ સંસ્કૃતિ, ભાતીગળ પહેરવેશ, છકડો, ધોતિયું, પાઘડી, ભરતકામ સાથે રજવાડી આઉટફીટ, સાડી પહેરેલા પાત્રોનું સર્જન કર્યું છે. કેન્દ્ર સરકારની ‘ડિજીટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ-૨૦૨૦’માં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો, ઉપરાંત ટેકઈન્ડિયા દ્વારા વર્ષ ૨૦૨૧ના શ્રેષ્ઠ ટેક સ્ટાર્ટઅપ વિજેતા બની હતી.
બાળપણથી મોબાઈલ, કમ્પ્યુટરમાં ગેમ રમવાના શોખીન એવા સુરતના યુવાન જેમિશ લખાણી મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જૂના રતનપુર ગામના વતની છે. તેમણે યુવાનવયે ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝમાં આવનારી તકોને પારખી લીધી અને શોખને જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો. આ નાનકડા વિચારને મોટું સ્વરૂપ આપતા જેમિશ લખાણીએ વર્ષ ૨૦૨૧માં ‘સ્કારફોલ ગેમિંગ” એપ શરૂ કરી. MIT- મહારાષ્ટ્ર ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી-પૂણેથી આઈ.ટી. એન્જિનીયરીંગનો અભ્યાસ કરનાર યુવા ટેકનોક્રેટ જૈમિશે વર્ષ ૨૦૧૨માં કોલેજકાળ દરમિયાન જાતે બનાવેલી ગેમ રમતા રમતા સ્વપ્નું સેવ્યું કે વિદેશી ગેમ્સમાં આપણી ભારતીય ગેમિંગ એપ બનાવીશ અને સાબિત કરીશ કે ભારતીય યુવાધન વિદેશી આઈ.ટી. ટાયકૂનથી કમ નથી. આ સંકલ્પ સાકાર કરવા પૂણેથી સુરત આવી ૪ મિત્રોની મદદથી ૨૦૨૦માં XSQUADS નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જે આજે જોતજોતામાં ૪૦ કર્મચારીઓની કંપની બની ગઈ છે.
શરૂઆતમાં ફંડિંગની કમી, ટેક્નિકલ ચેલેન્જીસ અને માર્કેટિંગની મુશ્કેલીઓ અનુભવવા છતાં જૈમિશે હાર ન માની. તેમણે ટેક સ્ટાર્ટઅપને બેંગ્લોર, હૈદરાબાદમાં ભાગીદારીની તકો હોવા છતાં માદરે વતન સુરત આવીને લોકલ ટેલેન્ટને જોડ્યું, અને ધીરે ધીરે સ્કીલ્ડ યુવા ડેવલપર્સને તકો આપીને એક મજબૂત ટીમ ઊભી કરી છે, અને આજે સુરતના વેસુ સ્થિત SNS બિઝનેસ પાર્કમાં કંપનીની હેડઓફિસનું સંચાલન કરી રહ્યા છે.

XSQUADSના સી.ઈ.ઓ.શ્રી જેમિશ લખાણીએ સ્ટાર્ટ અપ અને સફળતાની યાત્રા વિષે જણાવ્યું કે, કોલેજમાં આઈ.ટી.ના અભ્યાસ દરમ્યાન કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને ગેમ ડેવલપમેન્ટમાં મને ખૂબ રૂચિ હતી. મેં ‘મેઝ મિલીટિયા’ નામની ગેમ જાતે ક્રિએટ કરી હતી, જેને ૧૦ મિલિયન ડાઉનલોડ મળ્યા હતા. આ ગેમ રમતા રમતાં વિચાર આવ્યો કે કેમ ન એક એવી ગેમ બનાવું જે વિદેશી ગેમ્સને ટક્કર આપે અને ભારતના સંસ્કાર અને સંસ્કૃતિને પણ દર્શાવે? કોરોનાકાળ અને લોકડાઉન દરમિયાન મેં જોયું કે લોકોએ યુટ્યુબ વિડીયોઝ તેમજ મોબાઈલ ગેમ્સમાં વધુ રસ લેવો શરૂ કર્યો છે, પણ મોબાઈલમાં રમાતી સૌથી વધુ લોકપ્રિય ગેમ્સ વિદેશી કંપનીઓની છે, જેમાં ભારતીય કંપનીઓ તેમજ ભારતીય સંસ્કૃતિ, ભાષા કે વારસાનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે. એટલે જ એક એવી ગેમ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું, જે ભારતીય માહોલ, પાત્રો અને સામાજિક-ભૌગોલિક પરિવેશથી ભરપૂર હોય, સાથોસાથ વૈશ્વિક સ્તરે પણ સ્પર્ધા કરી શકે. આ વિચારથી ગેમિંગ સ્ટાર્ટ અપ XSQUADS ની શરૂઆત થઈ, જેના હેઠળ બનેલી સ્કારફોલ ૧.૦ એ ભારતની પહેલી Battle Royale સ્ટાઈલની ગેમ છે, જે સંપૂર્ણપણે ભારતમાં, ગુજરાતમાં અને તેમાં પણ સુરતમાં ડિઝાઈન અને ડેવલપ કરી છે.
જેમિશ જણાવે છે કે, સ્કારફોલને ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર અત્યાર સુધી ૩૫ મિલિયન ડાઉનલોડ મળ્યા છે. ગુજરાત અને ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને અમે ગુજરાત સહિત દેશના પ્રમુખ શહેરો-ગામડાની સંસ્કૃતિ, પહેરવેશ અને સાંસ્કૃતિક વારસાનો ટચ આપ્યો છે. જે રીતે વિદેશી ગેમ્સમાં ગોરા શૂટર્સ જોવા
મળે છે, એના સ્થાને સ્કારફોલમાં કાઠીયાવાડી પાઘડી, બંડી, ચોરણી, અણીયાળી મૂછો ધરાવતા દેશી શુટર્સ, સાડી પહેરેલી મહિલા શુટર, તિરંગા સાથે ભારતીય સૈનિકો, તમંચો, સૂતળી બોમ્બ, ઈનગેમ વાહનોમાં છકડો, ઓટો રિક્ષા, ક્રિએટ કર્યા છે. મુંબઈની લોકલ ટ્રેન, અંદામાન-નિકોબારની સેલ્યુલર જેલના લેન્ડસ્કેપને આવરી લીધા છે. થ્રીડી ગ્રાફિક્સ અને રિયલિસ્ટીક એનિમેશન સાથેની આ ગેમને એક, બે વ્યક્તિ અને ચાર વ્યક્તિ સાથે રમી શકાય છે. હવે અમે ‘સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ’ નું અપગ્રેડેડ વર્ઝન ‘સ્કારફોલ-૨.૦’ લઈને આવી રહ્યા છીએ.
વિશ્વમાં ૫૦૦ મિલિયન (૫૦ કરોડ) યુઝર્સ મોબાઈલમાં ગેમ્સ રમે છે, જે પૈકી ૧૫૦ મિલિયન (૧૫ કરોડ) બેટલ શૂટર્સ ગેમ્સ રમે છે. કોમ્પ્યુટરમાં ગેમ્સ રમતા યુઝર્સની સંખ્યા અલગ છે. વૈશ્વિક ગેમિંગ બજારનું કદ ૨૦૨૨માં ૨૪૯.૫૫ બિલિયન ડોલર અને ૨૦૨૩ માં ૨૮૧.૭૭ બિલિયન ડોલર હતું, આગમી ૨૦૩૦ સુધીમાં ૬૬૬.૭૭ બિલિયન ડોલર થવાનો અંદાજ છે,
આગામી પાંચ વર્ષમાં ૧૩.૧ % ના CAGR (Compound Annual Growth Rate) થી તીવ્ર ગતિથી ગેમિંગ માર્કેટ આગળ વધશે. આટલા વર્ષના અનુભવ પછી કહી શકું કે ભારતનું યુવાધન યુ.એસ.એ. અને ચીનની ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝને ટક્કર આપી શકે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગેમિંગ સેક્ટરની વિશાળ સંભાવનાઓથી વાકેફ છે, અને તેઓ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે એમ તેઓ જણાવે છે.
વધુમાં જેમિશ જણાવે છે કે, પબજી, કોલ ઓફ ડ્યુટી, ફ્રી ફાયર જેવી આંતરરાષ્ટ્રીય ગેમ્સની સરખામણીમાં ઘણા યુઝર્સે અમને પ્રોત્સાહક રિવ્યુઝ આપ્યા છે. કારણ કે વિદેશી ગેમ્સ રમવામાં જે થ્રીલનો અનુભવ થાય છે એના કરતા પણ વધુ આનંદ અને થ્રીલિંગ એક્સપિરીયન્સ થતો હોવાનું યુઝર્સ કોમેન્ટ કરીને જણાવે છે. અમે પરફેક્ટ ગનશોટ સિસ્ટમ, હાઈક્વોલિટી ઓડિયો ધરાવતો ગનફાયરનો સાચૂકલો અવાજ, કસ્ટમાઈઝ યુઝર ઈન્ટરફેસથી વૈશ્વિક કક્ષાની ગેમ બનાવી છે.
ભારતમાં દુનિયાના ટોચના ગેમ ડેવલપમેન્ટ હબ બનવાની તમામ ક્ષમતા છે, અને ગ્લોબલ ગેમિંગ મેપમાં ગુજરાત અને ભારતને સ્થાન અપાવવું એ અમારૂ વિઝન છે એમ જણાવી જેમિશ ઉમેરે છે કે, ‘સ્કારફોલ્સ’એ માત્ર મનોરંજન જ પૂરૂ નથી પાડ્યું, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને સામાજિક-સાંસ્કૃતિક વારસાથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો છે. અમારી કંપનીમાં હાલ ગેમ પ્રોગ્રામર, ડિઝાઈનર-આર્ટિસ્ટ, UI/UX ડિઝાઈનર, એનિમેટર, લેવલ ડિઝાઈનર, ગેમ ટેસ્ટર, ઓડિયો એન્જિનિયર, ગેમ પ્રોડ્યુસર, માર્કેટિંગ મેનેજર જેવી વિવિધ પોસ્ટમાં ૪૦ કર્મચારીઓ કાર્યરત છે.
ભારતીય એપ ડેવલપર્સને પ્રોત્સાહિત કરવા માટે વર્ષ ૨૦૨૦માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ડિજીટલ ઈન્ડિયા મિશનના ભાગરૂપે આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ યોજાઈ હતી, જેમાં વિવિધ કેટેગરી પૈકી ગેમ કેટેગરીમાં સ્કારફોલ્સે બીજો ક્રમ મેળવ્યો હતો. તાજેતરમાં મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં વેવ્સ સમિટ- (WAVES- વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ-૨૦૨૫) યોજાઈ હતી, ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવા માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સમિટનું ઉદ્દઘાટન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું, તેમાં ગુજરાત તરફથી એક માત્ર XSQUADSના જેમિશ લખાણી અને ટીમે પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યાં વડાપ્રધાનશ્રીએ જેમિશના સ્ટાર્ટઅપ વિષે જાણીને આનંદ વ્યક્ત કરી પીઠ થાબડી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગેમિંગ સેક્ટરની વિશાળ સંભાવનાઓથી વાકેફ છે, અને તેઓ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે.
XSQUADSના માર્કેટિંગ મેનેજરશ્રી સુકૃત વાનાણી જણાવે છે કે, XSQUADS ની શરૂઆતથી જ હું કંપની સાથે જોડાયેલો છું. અમે વિદેશી કલ્ચરના સ્થાને ભારતીય પાત્રો અને માહોલને ગેમ્સમાં સમાવ્યા છે. ઈ-સ્પોર્ટ્સ (સ્પર્ધાત્મક ગેમિંગ) હવે એક વ્યવસાય બની ગયો છે. Twitch, YouTube જેવા પ્લેટફોર્મ પર હજારો ગેમર્સ સ્ટ્રીમિંગ
કરીને કમાણી કરે છે. ઘણા દેશોમાં ઈ-સ્પોર્ટ્સને હવે વ્યાવસાયિક ખેલ તરીકે માન્યતા મળી રહી છે.
ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ગેમ ડેવલપમેન્ટ, પબ્લિશિંગ, ડિસ્ટ્રિબ્યુશન મોનેટાઈઝેશન(ઈન-ગેમ પરચેઝ, સબ્સ્ક્રિપ્શન્સ, જાહેરાતો અને અન્ય રેવન્યુ મોડલ્સ), ક્લાઉડ ગેમિંગ (Google Stadia, Xbox Cloud Gaming, અને NVIDIA GeForce Now જેવી સેવાઓ ખર્ચાળ હાર્ડવેરની જરૂરિયાત વિના ઉચ્ચ-ગુણવત્તાવાળી ગેમ્સને સ્ટ્રીમ કરવાની સુવિધા આપે છે, જે વધુ લોકોને ગેમિંગની સુવિધા પૂરી પાડે છે), વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી (VR/AR) ગેમ્સ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડી શકાય છે એમ તેઓ કહે છે.