Friday, April 4, 2025
HomeBBN-EXCLUSIVEભાગ -1 : વિજયભાઈ પંડ્યાએ 16 વર્ષનો ‘રામવાસ’ માણી સર્જી ગુજરાતી ‘વાલ્મીકિ...

ભાગ -1 : વિજયભાઈ પંડ્યાએ 16 વર્ષનો ‘રામવાસ’ માણી સર્જી ગુજરાતી ‘વાલ્મીકિ રામાયણ’

Share:

સંસ્કૃત તથા ઇંગ્લિશ બાદ ત્રીજી ભાષા ગુજરાતીમાં રચાયું ‘વાલ્મીકિ રામાયણ’

હિન્દી સહિત કોઈ પણ ભારતીય ભાષામાં ઉપલબ્ધ નથી ‘વાલ્મીકિ રામાયણ’

આલેખન : રમેશ તન્ના

અમદાવાદ, 14 એપ્રિલ, 2021 (બીબીએન). મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મ દિવસ એટલે કે રામ નવમીએ સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ કે ભારતીયો જ નહીં, પણ સમગ્ર માનવ જાત માટે એક ઐતિહાસિક સમાચાર છે. ઈ.સ. પૂર્વે ૮૦૦માં મહર્ષિ વાલ્મીકિ દ્વારા લખાયેલી અને વિશ્વના વિદ્વાનો દ્વારા અધિકૃત સાબિત થયેલી ‘વાલ્મીકિ રામાયણ’ની સમીક્ષિત આવૃત્તિનો ગુજરાતી અનુવાદ થઈ ગયો છે. અમદાવાદમાં રહેતા અને સમગ્ર ભારતમાં સંસ્કૃત વિષયના વિદ્વાન તેમજ અભ્યાસુ તરીકે નામના ધરાવતા આદરણીય અને પરમ્ શ્રદ્ધેય શ્રી વિજય પંડ્યાએ ‘વાલ્મીકિ રામાયણ’ની સમીક્ષિત આવૃત્તિનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી આ ઐતિહાસિક કાર્ય કર્યું છે.

પંડ્યાએ વર્ષ ૨૦૦૪માં અનુવાદ કાર્યનો પ્રારંભ કર્યો હતો, કે ડિસેમ્બર-૨૦૨૦માં સમ્પન્ન થયો. તેમણે એક તપસ્વીના તપની જેમ આ મહાન કાર્ય કર્યું. તેમણે દિવસ-રાત ખપાવ્યા અને ૧૬ વર્ષ દરમિયાન તેમના શ્વાસોશ્વાસ સહિત રુવાડે-રુવાડે માત્ર ‘વાલ્મીકિ રામાયણ’ જ હતી. તેઓ તેને લગભગ ઓગળી ગયા, તેની સાથે એકરૂપ થયા અને અનુવાદ કરતાં કરતાં અનેક વખત ભાવવિભોર પણ બન્યા. ઋષિ વાલ્મીકિજીએ કરેલાં વર્ણનો વાંચીને અનેક વખત તેમની આંખોમાંથી અશ્રુની ધારા વહી, અનેક કરુણ પ્રસંગોએ તેઓ વિચલિત પણ થયા, તો મનોહર પ્રસંગોએ પ્રસન્ન પણ થયા. તેમણે અનુવાદની ગુણવત્તાને સહેજે ઊની આંચ ન આવવા દઈ અનેક શબ્દ કોશો-અર્થ કોશો, સંસ્કૃત ટીકાઓ અને પુસ્તકોનો આધાર લીધો. જરૂર પડી, ત્યારે ક્રૉસ ચેક માટે અનેક સંદર્ભ ગ્રંથો તપાસ્યા. નિષ્ણાતો સાથે પણ સઘન ચર્ચા પણ કરી.

ખરેખર, આ એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક કામ થયું છે. એક બાજુ અયોધ્યામાં શ્રી રામજન્મ ભૂમિ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને બીજી બાજુ ગુજરાત તથા ગુજરાતી વાચકોને સ્વયં મહર્ષિ વાલ્મીકિ રચિત મૂળ રામાયણનો ગુજરાતી અવતાર પ્રાપ્ત થઈ રહ્યો છે.

પંડ્યાએ માણ્યો 16 વર્ષનો ‘રામવાસ’

ભગવાન શ્રી રામે ૧૪ વર્ષનો વનવાસ વેઠ્યો હતો, તો વિજયભાઈ પંડ્યાએ આ અનુવાદ કર્મ માટે ૧૬ વર્ષોનો રામાયણ મનવાસ માણ્યો છે. આ ૧૬ વર્ષો દરમિયાન તેમના મન-હૃદયમાં રામાયણે રીતસરનો કબજો લઈ લીધો. કોરોનાના કપરા કાળમાં પણ તેવો સહેજે ડગ્યા કે અટક્યા નહીં. જૈફ વય સાથે કોરોની બીક તો હતી જ, પણ વિજયભાઈ પંડ્યા કહે છે, “આ તો શ્રી રામનું કાર્ય છે. તેમણે પૂરું કરાવવું હોય, તો મને જીવતો રાખશે અને પૂરું કરાવશે.” પંડ્યાએ અનુવાદની બીડું ઉપાડ્યું, ત્યારે તેમની ઉંમર 62 વર્ષ હતી અને આજે 78 વર્ષની વયે આ મહાયજ્ઞ સમ્પન્ન થયો છે. જોકે તમામ કાંડો (અધ્યાયો)ની પ્રસ્તાવના લખવામાં એક વર્ષ હજું લાગશે.

આવી છે વિજયભાઈની રામભક્તિ તથા કર્તવ્યપરાયણતા. આ અનુવાદની અનેક વિશેષતાઓમાં મુખ્યત્વે એ છે કે ‘વાલ્મીકિ રામાયણ’ની સંસ્કૃત સમીક્ષિત આવૃત્તિનો અત્યાર સધી એક માત્ર અંગ્રેઝી ભાષામાં જ અનુવાદ થયો હતો. ભારત સહિત સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિ સિવાય અંગ્રેઝીમાં જ ઉપલબ્ધ આ રામાયણ હવે ત્રીજી ભાષા ગુજરાતીમાં લોકોને વાંચવા મળશે. આ પણ એક ગુજરાતી તરીકે બધાએ ગૌરવ લેવા જેવી વાત છે.

જેમ વર્ષ ૨૦૨૦ કોરોના માટે યાદ રહેશે, તે જ રીતે ‘વાલ્મીકિ રામાયણ’ના ગુજરાતી અનુવાદની શકવર્તી ઐતિહાસિક ઘટના માટે પણ યાદ રહેશે.

વિજયભાઈનું કાર્ય કેમ મહાન અને ઐતિહાસિક ?

હવે વાચકોનું એક અન્ય મહત્વની વાત તરફ પણ ધ્યાન દોરવા જઈ રહ્યો છું. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં ‘વાલ્મીકિ રામાયણ’ની સમીક્ષિત આવૃત્તિ સંસ્કૃત સિવાય માત્ર અંગ્રેઝી ભાષામાં ઉપલબ્ધ હતી અને આ કાર્ય કર્યુ હતું શ્રીમાન ગોલ્ડમૅન સહિત 7 વ્યક્તિઓએ. વર્ષ ૨૦૧૭માં અમેરિકાની કૅલિફૉર્નિયા યૂનિવર્સિટીમાં શ્રીમાન ગોલ્ડમૅન અને તેમની છ વ્યક્તિઓએ અંગ્રેઝી અનુવાદ કર્યો હતો. તેમની પાસે નાણાં અને અન્ય સુવિધાઓ પારાવાર હતી તથા અનુવાદ કરનારી કુલ વ્યક્તિઓ પણ એક નહીં, છ-છ હતાં. તેની સામે શ્રી વિજયભાઈ પંડ્યાએ એકલાએ, કોઈ પણ સંસ્થા કે સરકારની સહાય-મદદ વિના માત્ર રામભક્તિના બળે ‘વાલ્મીકિ રામાયણ’ના સાતે-સાત કાંડોના ૧૮,૬૦૫ શ્લોકોનો ગુજરાતી અનુવાદ કર્યો. કેટલો મોટો ફરક છે ? એક બાજુ અમેરિકાની યૂનિવર્સિટીએ પૂરતાં સાધનો-આર્થિક વળતર તથા છ નિષ્ણાતોની મદદથી જે કામ કર્યું, તે જ કામ ગુજરાતના એક પનોતા ધર્મપુત્રે, સંસ્કૃતવિદ્, સારસ્વત શ્રી વિજયભાઈ પંડ્યાએ એકલા હાથે કર્યું.

ખરેખર તો આખા ગુજરાત અને વિશ્વના ખૂણે ખૂણે વસતા તમામ ગુજરાતીઓએ ગૌરવ લેવા અને હરખાવા જેવા આ સમાચાર છે. આવું મહાન કાર્ય કરવા માટે ગુજરાતે-ગુજરાતી પ્રજાએ શ્રી વિજયભાઈનું ભવ્ય સન્માન કરવું જોઇએ અને ભારત સરકારે તેમને પદ્મશ્રી કે પદ્મભૂષણથી અલંકૃત કરવા જોઇએ અને મને પાકી શ્રદ્ધા પણ છે કે આવું થશે જ.

(વધુ ભાગ – 2માં)

Bhavy Bhaarat News
Bhavy Bhaarat News
भव्य भारत न्यूज़’ प्राचीतनम् भारत के महान वैभव एवं गौरव को आधुनिकतम् युग में जन-जन तक पहुँचाने का महायज्ञ, महाप्रयोग, महाप्रयास तथा महाभियान है। ‘भव्य भारत न्यूज़’ की ‘राष्ट्र – धर्म सर्वोपरि’ की मूल भावना में ‘विश्व कल्याण’ की विराट भावना भी समाहित है। इस मंच से हम ‘भारत’ को ‘भारत’ के ‘अर्थ’ से अवगत कराने का सकारात्मक, सारगर्भित एवं स्वानुभूत प्रयास करेंगे। ‘राष्ट्र सर्वोपरि’ तथा राष्ट्र को ही परम् धर्म के रूप में स्वीकार करते हुए कोटि-कोटि भारतवासियों व भारतवंशियों तक आधुनिक विज्ञान के माध्यम से प्राचीनतम्, परंतु आधुनिक-वैज्ञानिक व अनुभूतिपूर्ण ज्ञान परंपरा का जन-जन में प्रचार-प्रसार करना ही हमारा उद्देश्य है।
RELATED ARTICLES

Recent Post

Categories

Stay Connected

Popular Searches